
- કોંગ્રેસના ધારાસભ્ય કાન્તી ખરાડીના આરોપો તદ્દન પાયા વિહોણા- ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ
- આ પાંચ ગામોના 1788 ઘરો- ખેતરોમાં પુરતા વોલ્ટેજ સાથે સતત વિજળી આપવામાં આવે છે
- રાજ્યના ખેડૂતોને સતત અને પુરતા વૉલ્ટેજ સાથે વિજળી મળી રહે તે માટે ખેતર સુધી ટ્રાન્સફોર્મર ઉભા કરાયા
પાલનપુર/અમદાવાદ,અમદાવાદ,10 માર્ચ (હિ.સ.) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના છેવાડાના ગામ અને ઘર સુધી 24×7 વિજળી મળી રહે તે માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વ્યવસ્થાના ભાગરૂપે રાજયના ઊર્જા વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કપાસિયા,ખારી, ઝાંબા તેમજ હડાદ તાલુકાના રાણપુર-બંગલા અને મહુડા ગામોમાં વર્ષોથી સતત પુરતા વોલ્ટેજ સાથે વિજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
દાંતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાન્તી ખરાડીએ 28 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં આ ગામોને વિજળી મળતી નથી તેવા કરેલા આરોપો તદ્દન પાયા વિહોણા છે તેમ, ળ તપાસ બાદ વિગતો આપતાં આજે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં જણાવ્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, અમારા ઊર્જા વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને સતત અને પુરતા વૉલ્ટેજ સાથે વિજળી મળી રહે તે માટે ખેતર સુધી ટ્રાન્સફોર્મર ઉભા કરાયા છે.
આ સિવાય પણ જ્યારે કોઈ ટેક્નિકલ ખામી આવે અથવા કોઈ ફરિયાદ આવે ત્યારે તેનો તાત્કાલિક ઉકેલ લાવીને વિજળી પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવે છે.
મંત્રી પટેલે આ ગામોમાં ક્યારે વિજળી આવી તે અંગે વધુ વિગતો આપતાં ગૃહમાં કહ્યું હતું કે,આ પાંચ ગામોના કુલ 1788 ગ્રાહકોને પુરતા વોલ્ટેજ સાથે સતત વિજળી આપવામાં આવે છે. જેમાં કપાસિયા ગામમાં વર્ષ 1988 માં વિજળી આપવામાં આવી હતી. જેનો હાલમાં 816 ગ્રાહકો લાભ લઈ રહ્યા છે.
આ ગામને 11 કેવી કપાસિયા જ્યોતિગ્રામ ફીડરનો પુરતા વૉલ્ટેજ સાથે પાવર મળે છે. આજ રીતે ખારી ગામમાં વર્ષ 1993 થી વિજળી પહોચાડવામાં આવી છે.જ્યાં હાલમાં 374 ગ્રાહકો છે. આ ગામને 11 કેવી અમીરગઢ જ્યોતિગ્રામ ફીડરનો પુરતો પાવર મળે છે.જ્યારે 48 ગ્રાહકો ધરાવતા ઝાંબા ગામમાં વર્ષ 2007 થી વિજળી પહોંચી છે. આ ગામને 11 કેવી અમીરગઢ જ્યોતિગ્રામ ફીડરનો પાવર આપવામાં આવે છે. આ ઉપરાંત 412 ગ્રાહકો ધરાવતા રાણપુર-બંગલા ગામમાં વર્ષ 2000 થી વિજળીની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે.
આ ગામને 11 કેવી રૂપપુરા જ્યોતિગ્રામ ફીડરનો પાવર આપવામાં આવે છે. જ્યારે 138 ગ્રાહકો ધરાવતા મહુડા ગામમાં વર્ષ 2009 થી વિજળી આપવામાં આવે છે. આ ગામને 11 કેવી રૂપપુરા જ્યોતિગ્રામ ફીડરનો સતત પાવર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ પ્રગતિ દર્શાવે છે કે છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવા માટે અમારી સરકાર કટિબદ્ધ છે. આથી ધારાસભ્ય દ્વારા ગૃહમાં કરવામાં આવેલા આરોપો ખોટા છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ