
ગાંધીનગર, 16 માર્ચ (હિ.સ.) : દર વર્ષે 16 માર્ચના રોજ સમગ્ર ભારતમાં 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ' (National Vaccination Day) ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત 1995માં ભારતમાં પોલિયો રસીના પ્રથમ ડોઝ સાથે થઈ હતી. વર્ષ 2026ની થીમ Immunization for All is Humanly Possible (માનવીય રીતે તમામ માટે રસીકરણ શક્ય છે) રાખવામાં આવી છે, જે દરેક નાગરિક સુધી જીવનરક્ષક રસીઓ પહોંચાડવાના લક્ષ્યના નિર્ધારને દર્શાવે છે.
રસીકરણએ આધુનિક તબીબી વિજ્ઞાનની સૌથી મોટી ભેટ છે. બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવા અને તંદુરસ્ત પેઢીનું નિર્માણ કરવા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણના વ્યાપને વધારવા માટે અનેક નવીન પ્રયોગો કરવામાં આવ્યા છે. રસી માત્ર એક વ્યક્તિને જ નહીં, પણ સમગ્ર સમાજને સુરક્ષિત રાખવાનું કામ કરે છે.
રસી દ્વારા પોલિયો, ઓરી, રૂબેલા, ધનુર્વા અને કમળા જેવા ગંભીર રોગો સામે 95% થી વધુ સુરક્ષા મળે છે. રસી શરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રોગના જંતુઓ સામે લડવા તૈયાર કરે છે.જ્યારે મોટી સંખ્યામાં લોકો રસી લે છે, ત્યારે રોગચાળો ફેલાતો અટકે છે. બીમારી પછીની મોંઘી સારવાર કરતા રસીકરણએ અત્યંત સસ્તો અને અસરકારક ઉપાય છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે રસીકરણ ક્ષેત્રે દેશમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરના આંકડાઓ મુજબ વર્ષ 2025- 26 રમિયાન રાજ્યમાં 11.30 લાખથી વધુ શિશુઓ અને 24 લાખથી વધુ બાળકોનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું છે. 1.24 લાખથી વધુ મહિલાઓને ધનુર્વા-ડિપ્થેરિયા (Td) જેવી સુરક્ષિત રસીઓ આપીને માતા-બાળકના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના સહયોગથી અનેક નવી રસીઓનો સમાવેશ કરીને રસીકરણ કાર્યક્રમને વધુ સુદ્રઢ બનાવ્યો છે. ગુજરાતમાં 'પલ્સ પોલિયો' અભિયાનની સાથે સાથે નિયમિત રસીકરણમાં fIPV (fractional Dose IPV) ના ઇન્જેક્શન આપવામાં આવે છે. આ રસી બાળકની રોગપ્રતિકારક શક્તિને અનેકગણી વધારી દે છે.
આ સાથે PCV (ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન) ન્યુમોનિયા સામે રક્ષણ આપનારી મહત્વની રસી બની છે. બાળકોમાં ન્યુમોનિયાએ મૃત્યુનું એક મુખ્ય કારણ છે. ગુજરાત સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ PCV રસીની શરૂઆત કરી છે.
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી 2026માં શરૂ કરાયેલ દેશવ્યાપી HPV રસીકરણ અભિયાન ગુજરાતમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં અંદાજે 5.50 લાખ કિશોરીઓ (14 વર્ષની વયની)ને ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) થી બચાવવા માટે મફત રસી આપવામાં આવી રહી છે.
ગુજરાત સરકારે વર્ષ 2026 સુધીમાં રાજ્યને ઓરી અને રૂબેલા મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે ખાસ 'કેચ-અપ' રાઉન્ડ દ્વારા બાકી રહી ગયેલા બાળકોને શોધીને રસી આપવામાં આવી રહી છે.
દુર્ગમ વિસ્તારો અને સ્થળાંતરિત મજૂરોના બાળકો સુધી પહોંચવા માટે 'મિશન ઇન્દ્રધનુષ' હેઠળ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે. જેમાં શિશુઓને BCG, પેન્ટાવેલેન્ટ અને રોટાવાયરસ જેવી જીવરક્ષક રસીઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
ગુજરાત સરકારે રસીકરણને એક સામાજિક જવાબદારીના સ્વરૂપમાં લીડ લઈ લોક સ્વાસ્થ્યને વધુ સુરક્ષિત કરવાનું કાર્ય કર્યું છે. 'ધનવંતરી રથ' અને 'ટિકા એક્સપ્રેસ' જેવા માધ્યમો દ્વારા છેવાડાના માનવી સુધી રસીઓ પહોંચી રહી છે.
ગુજરાતનું એક પણ બાળક રસી વગરનું રહી ન જાય તે માટે સરકાર દ્વારા 'ઈ-મમતા' (E-Mamta) પોર્ટલ થકી દરેક બાળકનું ડિજિટલ ટ્રેકિંગ કરવામાં આવે છે. 'ટિકા એક્સપ્રેસ' જેવી સેવાઓ દ્વારા અંતરિયાળ ગામડાઓ સુધી રસી પહોંચાડવામાં ગુજરાત દેશમાં મોડેલ રાજ્ય બન્યું છે. ત્યારે લોકો પણ રસીકરણ માટે આગળ આવી તેનો લાભ લે તે જરૂરી છે. રસી એ માત્ર બીમારી સામેનું રક્ષણ નથી, પરંતુ આવનારી પેઢી માટે સુરક્ષિત ભવિષ્યની ગેરંટી છે. તો તમારા બાળકને સમયસર રસી અપાવો અને પોલિયો મુક્ત ભારતની જેમ અન્ય રોગોને પણ દેશવટા આપવા સહભાગી બનો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ