પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવમાં ઉછાળો, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર, 11 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ લીંબુનો ભાવ લગભગ 30 થી 50 રૂપિયા પ્રતિ કિલો હતો, પરંતુ હાલ બજારમાં માંગ વધતા ભાવ 120 થી 130 રૂપિયા
લીંબુ


ભાવનગર, 11 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ લીંબુનો ભાવ લગભગ 30 થી 50 રૂપિયા પ્રતિ કિલો હતો, પરંતુ હાલ બજારમાં માંગ વધતા ભાવ 120 થી 130 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. ભાવમાં આકસ્મિક થયેલા વધારા કારણે લીંબુની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને પાલીતાણા તાલુકાના શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના ઘણા ખેડૂતો વર્ષોથી લીંબુની ખેતી કરતા આવ્યા છે. આ વિસ્તારમાં જમીન અને હવામાન લીંબુની ખેતી માટે અનુકૂળ હોવાથી અહીં મોટા પ્રમાણમાં લીંબુનું ઉત્પાદન થાય છે. ખેડૂતો મહેનત કરીને લીંબુના પાકને તૈયાર કરે છે અને બજારમાં સારી કિંમત મળે તે માટે આશા રાખતા હોય છે. આ વર્ષે શરૂઆતમાં લીંબુના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં થોડું નિરાશાનું વાતાવરણ હતું, પરંતુ હવે ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં નવી આશા જાગી છે.

પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં હાલ લગભગ 120 રૂપિયા જેટલો લીંબુનો સરેરાશ ભાવ મળી રહ્યો છે, જ્યારે કેટલીક સારી ગુણવત્તાવાળી આવકને 130 રૂપિયા પ્રતિ કિલો સુધી ભાવ મળતા હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ હાલ બજારમાં લીંબુની માંગ વધી રહી છે, જેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

ખેડૂતોનું કહેવું છે કે લીંબુની ખેતીમાં પાણી, ખાતર અને દવાઓનો ખર્ચ વધારે થતો હોય છે, તેથી પાકને યોગ્ય ભાવ મળવો ખૂબ જરૂરી બને છે. હાલ મળતા સારા ભાવને કારણે ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી રહ્યું હોવાનું તેઓ જણાવે છે.

આ વર્ષે હવામાન અનુકૂળ રહે અને ઉત્પાદન પણ સારું મળે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. જો આવનારા સમયમાં પણ બજારમાં લીંબુના ભાવ સારા રહે તો ખેડૂતોને વધુ લાભ મળી શકે છે. પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં લીંબુના વધેલા ભાવને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ આગામી સમયમાં પણ સારા ભાવની આશા રાખી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande