
મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) : મહેસાણા શહેરના લાખવડી ભાગોળ વિસ્તારમાં આવેલ પટાવાળાની ચાલીમાં જિલ્લા મલેરીયા સુપરવાઈઝર દ્વારા સપોર્ટિવ સુપરવિઝન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મલેરીયા અને ડેન્ગ્યુ જેવી જીવલેણ બીમારીઓના નિયંત્રણ માટે સર્વે કામગીરી તેમજ પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં ઘર-ઘર જઈ મચ્છરના ઉપદ્રવ અંગે તપાસ કરવામાં આવી હતી તેમજ પાણી ભરાઈ રહે તેવી જગ્યાઓની ઓળખ કરી જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. મચ્છરના પ્રજનનને રોકવા માટે પોરાનાશક દવા છંટકાવ કરવામાં આવ્યો હતો અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત રહેવાસીઓને મલેરીયા અને ડેન્ગ્યુ અંગે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. લોકોમાં જાગૃતિ લાવવા માટે મચ્છરજન્ય રોગોથી બચવા માટેની સાવચેતીઓ અંગે સમજાવવામાં આવ્યું હતું, જેમાં આસપાસ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા, ઘરમાં મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને સ્વચ્છતા જાળવવા જેવી સૂચનાઓ આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા આવી કામગીરીથી મલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને નાગરિકોને પણ સ્વચ્છતા જાળવી આરોગ્ય વિભાગને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR