પ્રાકૃતિક ખેતીમાં પાકનું પ્રેરકબળ બનતું બાયોસ્ટીમ્યુલન્ટ્સ
ગાંધીનગર, 12 માર્ચ (હિ.સ.) આજે ખેતીના ક્ષેત્રમાં પરંપરાગત રાસાયણિક ખાતરો અને દવાઓનો વધુ પડતો ઉપયોગ જમીનની ગુણવત્તા, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે. રાસાયણિક ખાતરોના કારણે લોકો કેન્સર અને અન્ય જીવલેણ રોગોનો ભોગ બની રહ્
બાયોસ્ટીમ્યુલન્ટ્સ


ગાંધીનગર, 12 માર્ચ (હિ.સ.) આજે ખેતીના ક્ષેત્રમાં પરંપરાગત રાસાયણિક ખાતરો અને દવાઓનો વધુ પડતો ઉપયોગ જમીનની ગુણવત્તા, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે. રાસાયણિક ખાતરોના કારણે લોકો કેન્સર અને અન્ય જીવલેણ રોગોનો ભોગ બની રહ્યા છે. જે પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટે જ ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વિશિષ્ટ સુવિધાઓ સાથેની યોજનાઓનો લાભ આપી રહ્યા છે. આ પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક અને ખેડૂતો માટે સમૃદ્ધિસભર બનાવવામાં બાયોસ્ટીમ્યુલન્ટ્સ એક નવી આશાસ્પદ ટેકનિક છે.

બાયોસ્ટીમ્યુલન્ટ્સ શું છે?

કુદરતી રીતે ખેતીમાં વૃધ્ધિ અને ગુણવત્તાસભર પાક ઉત્પાદન માટે ખાતરમાથી મળતું પોષણ પાકમાં પણ સારી રીતે ઉતરવું જરૂરી છે. આ પ્રક્રિયાને વેગ અને કાર આપે છે બાયોસ્ટીમ્યુલન્ટસ. બાયોસ્ટીમ્યુલન્ટ્સ એ કુદરતી પદાર્થો અથવા સૂક્ષ્મજીવો છે જે પાકને પોષણ મેળવવામાં સહાય કરે છે. તે કોઈ પોષક તત્વ નથી પરંતુ મદદરૂપ તત્વ છે. તે ઠંડી, ગરમી કે રોગ લાગવાની સ્થિતિમાં પાકને ટકી રહેવા મદદ કરે છે. તે પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વૃદ્ધિ કરે છે.

બાયોસ્ટીમ્યુલન્ટ્સને તેમના સ્ત્રોતના આધારે વિવિધ પ્રકારોમાં વહેંચી શકાય છે, જેમ કે ટ્રાઇકોડર્મા, રાયઝોબિયમ વગેરે સૂક્ષ્મજીવો, જમીનની ગુણવત્તા સુધારતા હ્યુમિક અને ફુલ્વિક એસિડ, પાકની વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહિત કરતા દરિયાઈ શેવાળના અર્ક, પાકને પોષણ પૂરું પાડતા અને પ્રોટીન સંશ્લેષણ વધારતા એમિનો એસિડ ઉપરાંત એસ્કોર્બિક એસિડ વગેરે જેવા તત્વ પૂરા પાડતા વિવિધ છોડના અર્ક. જેમાં,

1. હ્યુમિક અને ફુલ્વિક એસિડ (Humic & Fulvic Acids)

આ પદાર્થો કુદરતી રીતે જમીનમાં રહેલા સેન્દ્રિય તત્વોના વિઘટનથી બને છે. તે જમીનની ભૌતિક રચના સુધારે છે. તે મૂળની આસપાસ એક એવું વાતાવરણ બનાવે છે જેથી છોડ જમીનમાં પડેલા પોષક તત્વો (જેમ કે ફોસ્ફરસ) ને સરળતાથી શોષી શકે. તે મૂળના ફેલાવામાં મદદ કરે છે.

2. દરિયાઈ શેવાળનો અર્ક

દરિયાઈ શેવાળમાંથી મેળવેલો આ અર્ક હોર્મોન્સથી ભરપૂર હોય છે. આમાં સાયટોકાઈનિન અને ઓક્સિન જેવા કુદરતી વૃદ્ધિ હોર્મોન્સ હોય છે. તે છોડમાં ક્લોરોફિલ (હરિતદ્રવ્ય) નું પ્રમાણ વધારે છે, જેનાથી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ઝડપી બને છે અને પાક વધુ લીલોછમ દેખાય છે.

3. એમિનો એસિડ અને પ્રોટીન

પ્રોટીનએ છોડના બંધારણનો પાયો છે. એમિનો એસિડ છોડને સીધી શક્તિ પૂરી પાડે છે. જ્યારે પાક પર અતિશય ગરમી, ઠંડી કે રોગનો તણાવ હોય, ત્યારે એમિનો એસિડ કોષોનું રક્ષણ કરે છે અને છોડને ફરીથી બેઠો થવામાં મદદ કરે છે. તે ફૂલ અને ફળ બેસવાની પ્રક્રિયાને પણ મજબૂત બનાવે છે.

4.બાયોસ્ટીમ્યુલન્ટ સૂક્ષ્મજીવો

આમાં રાઈઝોબિયમ, એઝોટોબેક્ટર અને માઈકોરાઈઝા જેવા જીવંત સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે. માઈકોરાઈઝા મૂળ સાથે જોડાઈને એક જાળી જેવી રચના બનાવે છે, જેનાથી મૂળની લંબાઈ વધે છે અને દૂર રહેલું પાણી કે પોષક તત્વો પણ મૂળ ખેંચી લાવે છે.

અન્ય બેક્ટેરિયા હવામાંથી નાઈટ્રોજન ખેંચીને જમીનમાં સ્થિર કરે છે અથવા જમીનમાં જકડાયેલા તત્વોને ઓગાળીને છોડને પહોંચાડે છે.

બાયોસ્ટીમ્યુલન્ટ્સના ઉપયોગથી અનેક ફાયદા છે, જેમ કે, પાકના મૂળવિકાસમાં સુધારો થાય છે. જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે અને જમીનમાં સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વધે છે. ફળ અને શાકભાજીની ગુણવત્તામાં સુધારો કરે છે. ઓછા ખાતર થકી પાકને પૂરતું પોષણ મળે છે જેથી ખેતીના પડતર ખર્ચમાં વધુ ઘટાડો થાય છે.

બાયોસ્ટીમ્યુલન્ટ્સનો ઉપયોગ બીજને પટ આપવા દરમિયાન, પાન પર સ્પ્રે રૂપે કે ડ્રિપ સિંચાઈ દ્વારા પણ કરી શકાય છે. તમામ સ્તરે તેનું સારું પરિણામ મળી રહે છે. બાયોસ્ટીમ્યુલન્ટ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે ખેડૂતોએ આ વિષય વિશે વધુ માહિતી મેળવવી જોઈએ અને યોગ્ય કાળજી લેવી જોઈએ.

આજે બજારમાં ઘણા એવા ઉત્પાદનો મળે છે જે બાયો ના નામે વેચાય છે પરંતુ તેમાં રાસાયણિક હોર્મોન્સ ભેળવેલા હોય છે. ત્યારે હંમેશા માન્યતા પ્રાપ્ત કંપનીના ઉત્પાદનો ખરીદવા અને તેના પેકિંગ પર Organic Certified કે Bio-stimulantનું રજીસ્ટ્રેશન તપાસીને ખરીદી કરવી જોઈએ.

સાચા બાયોસ્ટીમ્યુલન્ટ્સ સંપૂર્ણપણે સુરક્ષિત, કુદરતી અને ઝેરમુક્ત છે. તે ઓર્ગેનિક ખેતી (સજીવ ખેતી) માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.બાયોસ્ટીમ્યુલન્ટ્સ પર્યાવરણ, ખેડૂતો અને ગ્રાહકો માટે ફાયદાકારક છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande