ગુજરાતના ગામડાં બનશે 'વિકસિત ભારત'નું એન્જિન: ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા
- 50000 ના વધારા સાથે આવાસ યોજનાના લાભાર્થીને કુલ 2,32,920 ની સહાયની જોગવાઈ - મહિલા સશક્તીકરણનો સૂર્યોદય: 5.96 લાખ ''લખપતિ દીદી'' અને ઈ-કોમર્સ માર્કેટિંગ માટે 25 કરોડની ફાળવણી - શ્રમિકનો પરસેવો હવે વધુ મૂલ્યવાન બનશે: ''વીબી-જી રામ-જી'' મિશન
ગુજરાતના ગામડાં બનશે 'વિકસિત ભારત'નું એન્જિન: ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા


- 50000 ના વધારા સાથે આવાસ યોજનાના લાભાર્થીને કુલ 2,32,920 ની સહાયની જોગવાઈ

- મહિલા સશક્તીકરણનો સૂર્યોદય: 5.96 લાખ 'લખપતિ દીદી' અને ઈ-કોમર્સ માર્કેટિંગ માટે 25 કરોડની ફાળવણી

- શ્રમિકનો પરસેવો હવે વધુ મૂલ્યવાન બનશે: 'વીબી-જી રામ-જી' મિશન થકી ગ્રામીણ રોજગારી ક્ષેત્રે વિઝન 2047 સાકાર થશે

ગાંધીનગર, 12 માર્ચ (હિ.સ.) : રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ 3725.11 કરોડના બજેટની જોગવાઈ અંગે ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં 'ઘરનું ઘર' પૂડું પાડવાનો, રોજગારીની તકો વધારવાનો અને મહિલા સશક્તીકરણને વેગ આપવાનો છે.

આ અંગે અંદાજપત્રમાં સૂચવવામાં આવેલી વિવિધ જોગવાઈઓ વિશે વાત કરતાં ગ્રામ વિકાસ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર કામ કરી રહી છે.

જે અંતર્ગત, ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)' હેઠળ અત્યાર સુધીમાં 6.90 લાખથી વધુ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. આગામી વર્ષ માટે આ યોજના હેઠળ 1617.33 કરોડનું આયોજન છે.

રાજ્ય સરકાર દ્વારા આવાસ દીઠ વધારાની 50000 ની ટોપ-અપ સહાય સાથે, લાભાર્થીને હવે કુલ 2,32,920 ની સહાય મળવાપાત્ર થશે. આ ઉપરાંત, આદિમ જૂથના પરિવારો માટે 'પીએમ-જનમન' યોજના હેઠળ 47.35 કરોડ ફાળવાયા છે.

ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને આજીવિકાની વાત કરતાં તેમણે કહ્યું કે 'વિકસિત ભારત–ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન' (વીબી-જી રામ-જી) હેઠળ ગ્રામીણ શ્રમિકોને 100 દિવસના બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. આ માટે નવી બાબત તરીકે 1500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સશક્તીકરણ અને સ્વચ્છતા વિશે ગ્રામ વિકાસ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં 5.96 લાખથી વધુ બહેનો 'લખપતિ દીદી' બની છે. તેમના વ્યવસાયને વેગ આપવા લોન પર વ્યાજ સહાય અને ઉત્પાદનોના વેચાણ માટે 'ગ્રામ હાટ' સ્થાપવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ 737.91 કરોડની જોગવાઈ સાથે ગ્રામીણ સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આમ, સરકારના આ બજેટથી ‘વિકસિત ગામ થકી વિકસિત ભારત’નું સ્વપ્ન સાકાર થશે તેવો વિશ્વાસ ગ્રામ વિકાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આમ, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા રજૂ કરવામાં આવેલી વર્ષ 2026-27ના વર્ષ માટેની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande