
જામનગર, 14 માર્ચ (હિ.સ.) :
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે ગાઢ ઝાકળ છવાઈ હતી. માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત વચ્ચે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી હતી, જેના કારણે લોકોને શિયાળા જેવો અનુભવ થયો હતો.
ઝાકળ એટલી ઘટ્ટ હતી કે જામનગર શહેરને જોડતા હાઈવે અને ગ્રામ્ય પંથકોમાં વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી. વાહનચાલકોને વહેલી સવારે વાહનોની લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. ખેતરોમાં ઝાકળના બિંદુઓ જામતા સુંદર દૃશ્યો સર્જાયા હતા.
હવામાન નિષ્ણાતોના મતે, સમુદ્ર કિનારાના વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ વધવા અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઉનાળાની શરૂઆતમાં પણ ઝાકળ જોવા મળે છે. આ એક મિશ્ર ઋતુ જેવી સ્થિતિ છે, જેમાં વહેલી સવારે ઠંડક અને ઝાકળનો અનુભવ થાય છે, જ્યારે બપોરે આકરો તડકો અને ગરમી વર્તાય છે.
આ પ્રકારના મિશ્ર વાતાવરણની લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કિસ્સાઓ વધવાની શક્યતા છે. આ ઉપરાંત, ખેતીમાં તૈયાર પાક પર ઝાકળની સંભવિત અસર અંગે ખેડૂતોમાં ચિંતા અને ચર્ચા જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt