
ગાંધીનગર, 14 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારે યુવાનોના કૌશલ્ય વર્ધન અને શ્રમિકોના સર્વાંગી કલ્યાણ માટે મક્કમ નિર્ધાર કર્યો છે. જેને અનુલક્ષીને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે વર્ષ 2026-27 અંદાજપત્રમાં 2902 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આમ, આ બજેટ વિકસિત ગુજરાત થકી વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે, તેમ મંત્રી કુંવરજી બાવળીયાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટના મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે.
નવી યોજનાઓ અને જોગવાઈઓ
નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન: યુવાનોની રોજગારક્ષમતા વધારવા માટે 226 કરોડની જોગવાઈ. પી.એમ.સેતુ યોજના:200 કરોડના ખર્ચે ITIને હબ-એન્ડ-સ્પોક મોડલમાં અપગ્રેડ કરવામાં આવશે.
નમો કૌશલ્ય લક્ષ્મી યોજના: ITI માં અભ્યાસ કરતી વિધાર્થિનીઓને પ્રોત્સાહન આપવા 40 કરોડની ફાળવણી. 1 વર્ષના કોર્સ માટે 15000 અને 2 વર્ષના કોર્સ માટે 24000ની સહાય અપાશે.
શ્રમિક કલ્યાણની ચાલુ યોજનાઓનું વિસ્તરણ
શ્રમિક અન્નપૂર્ણા યોજના: 200 કરોડની ફાળવણી સાથે નવા 300 અન્નપૂર્ણા બુથ શરૂ કરવાનું આયોજન છે, જ્યાં 5 માં ભોજન મળે છે. શ્રમિક બસેરા યોજના: બાંધકામ શ્રમિકોને નજીવા દરે રહેવાની સુવિધા માટે 150 કરોડની જોગવાઈ. ધનવંતરી આરોગ્ય રથ: શ્રમિકોની આરોગ્ય સેવાઓ માટે વધુ 50 નવા રથ ઉમેરવા 160 કરોડની ફાળવણી.અકસ્માત વીમો: બાંધકામ શ્રમિકના મૃત્યુ કે કાયમી અશક્તતાના કિસ્સામાં 3.5 લાખની સહાય આપવામાં આવે છે.
અગરીયા આવાસ યોજના: મીઠાના અગરીયાઓ માટે સોલાર પેનલ અને પાયાની સુવિધાઓ ધરાવતા આવાસો માટે 25 રોડની જોગવાઈ.સિલીકોસીસ રોગથી પીડિત વ્યક્તિઓને નિદાન સમયે 3 લાખ અને મરણોત્તર 4 લાખની સહાય આપવામાં આવશે.
વિભાગની મહત્વની સિદ્ધિઓ
રાજ્યમાં કાર્યરત કુલ 559 ITI ખાતે 2,18,516 બેઠકોની તાલીમ ક્ષમતા છે. જેમાં મહિલાઓ માટે 11448 બેઠકો અને દિવ્યાંગો માટે 15 સમર્પિત ITI કાર્યરત છે.
વર્ષ 2025-26 અંતર્ગત ફેબ્રુઆરી-2026 સુધીમાં 1215 ભરતીમેળા દ્વારા 2,60,878 ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે.
વર્ષ 2023-24 ના સર્વે મુજબ ભારતનો બેરોજગારી દર 3.2% છે, જેની સામે ગુજરાતનો દર માત્ર 1.1 % છે.ડાયરેક્ટર જનરલ ઓક સિવિલ એવિએશન-DGCA માન્ય 6 ડ્રોન પાઇલટ તાલીમ કેન્દ્રોને મંજુરી મળી છે. કૌશલ્યા - ધી સ્કિલ યુનિવર્સિટી દ્વારા 600+ ડ્રોન પાઇલટ અને 1200+ તાલીમાર્થીઓને ડ્રોન મેન્યુફેક્ચરિંગની તાલીમ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી સ્કીલ ડેવલપમેન્ટ ઇનિસિએટીવ અંતગર્ત વર્ષ 2025-26 માં કુલ 4,27,861 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે.
રાજ્યમાં કારખાના ધારા 1948 હેઠળ માર્ચ-2025 અંતિત 50017 કારખાના નોંધાયેલા હતા જે વધીને ફેબ્રુઆરી-2026 અંતિત 51033 થયા છે. આમ, છેલ્લા એક વર્ષમાં કારખાનાઓમા 1016 નો વધારો થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ