સેવા, શિસ્ત અને સંસ્કાર જ યુવા જીવનનો સાચો શણગાર; સ્કાઉટ્સ-ગાઈડ્સ પ્રવૃત્તિ રાષ્ટ્રનિર્માણની પાઠશાળા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ગાંધીનગર, 15 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે આયોજિત ''ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સ'' ના રાજ્ય સન્માન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્કાઉટ્સ-ગાઈડ્સ અને રોવર-રેન્જર્સને પુરસ્કાર આપી સન્માનિત ક
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


ગાંધીનગર, 15 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે આયોજિત 'ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સ' ના રાજ્ય સન્માન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્કાઉટ્સ-ગાઈડ્સ અને રોવર-રેન્જર્સને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.

આ તકે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી જ્યારે મોબાઈલ, ટીવી અને અન્ય વ્યસનોના પ્રભાવ હેઠળ છે, ત્યારે સ્કાઉટ્સ-ગાઈડ્સની આ શિસ્તબદ્ધ ટીમમાં જોડાયેલા બાળકો ખરેખર ભાગ્યશાળી છે. નાની ઉંમરે જ્યારે તમે વૃક્ષારોપણ, સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા કાર્યો સાથે જોડાવ છો, ત્યારે તે તમારા જીવનનો હિસ્સો અને સ્વભાવ બની જાય છે. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે બાળપણમાં બનેલો સ્વભાવ અંતિમ શ્વાસ સુધી બદલાતો નથી.

કિશોરાવસ્થામાં થતા શારીરિક અને માનસિક પરિવર્તનો વિશે વાત કરતા રાજ્યપાલએ માર્ગદર્શન આપ્યું કે, સાતમા ધોરણથી લઈને કોલેજ સુધીની આ ઉંમર અત્યંત સંવેદનશીલ હોય છે. આ ઉંમરે બાળકો હૃદયથી વધુ અને મગજથી ઓછું વિચારે છે. જે બાળક પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખી વિવેકબુદ્ધિથી નિર્ણય લે છે, તે જ બધાથી અલગ તરી આવે છે અને સફળતાના શિખરો સર કરે છે.

રાજ્યપાલએ બાળકોને નિર્ભય અને પારદર્શક બનવાની શીખ આપતા કહ્યું કે, મનુષ્ય હોવાને નાતે ભૂલ થવી સ્વાભાવિક છે, પરંતુ ભૂલને છુપાવવી એ અપરાધના માર્ગે જવાનું પ્રથમ પગલું છે. જે ક્ષણે તમે ભૂલ છુપાવો છો, તે ક્ષણે તમે અપરાધી બનવાનું બીજ વાવો છો. કોઈ પણ ભૂલ થાય તો તમારા માતા-પિતા કે ગુરુજનોને નિસંકોચ જણાવી દો. તેનાથી તમારા મનનો બોજ હળવો થશે અને તમે ખોટા માર્ગે જવાથી બચી જશો.

'કર્મ જ ધર્મ' ના સૂત્રને સમજાવતા રાજ્યપાલએ કહ્યું કે, આળસ એ મનુષ્યના શરીરનો સૌથી મોટો શત્રુ છે. સૂતેલા સિંહના મોઢામાં હરણ પોતે આવીને પ્રવેશતું નથી, તેને પણ શિકાર માટે પરિશ્રમ કરવો પડે છે. તેવી જ રીતે, જીવનમાં શૈક્ષણિક કે સામાજિક ક્ષેત્રે સફળ થવા માટે તપસ્વી જીવન અને સખત મહેનત અનિવાર્ય છે.

રાજ્યપાલએ વ્યસનમુક્તિ અને શુદ્ધ આહાર પર ભાર મૂકતા જણાવ્યું કે, આજની યુવા પેઢી જંક ફૂડ અને વ્યસનો તરફ વળી રહી છે, જે કેન્સર અને હાર્ટ એટેક જેવી બીમારીઓને આમંત્રણ આપે છે. માતાના હાથે બનેલું શુદ્ધ ભોજન જ સ્વાસ્થ્યનો સાચો આધાર છે. તેમણે ઉમેર્યું કે, આપણે માત્ર ૩ વર્ષ એક વૃક્ષને ઉછેરવાનું છે, પછી તે વૃક્ષ આજીવન આપણને ઓક્સિજન આપે છે. પથ્થર મારનારને પણ ફળ આપનારા વૃક્ષો પાસેથી આપણે પરોપકારની ભાવના શીખવી જોઈએ.

આ પ્રસંગે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સના પ્રમુખ નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, રાજ્યપાલએ માત્ર લોકભવનમાં રહીને જ નહીં, પરંતુ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં જઈને, ગરીબ-ખેડૂતોના ઘરે તેમની સાથે ભોજન લઈ, ગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં રોકાઈને પ્રાકૃતિક ખેતીનો જે પ્રસાર કરી રહ્યા છે, તે અભૂતપૂર્વ છે.

તેમણે ઉમેર્યું કે, અમદાવાદ ખાતે સ્કાઉટ-ગાઈડનું વિશાળ 'કોમ્યુનિટી હોલ'નું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, સ્કાઉટ્સ ગાઈડ્સ પ્રવૃત્તિ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર 'સૌનો સાથ, સૌનો વિકાસ' ના મંત્રને ચરિતાર્થ કરે છે.

ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સના રાજ્ય આયુક્ત (સ્કાઉટ) હસમુખભાઈ મોદીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, રાજ્યમાં અંદાજે 40,000 સ્કાઉટ્સ-ગાઈડ્સ કાર્યરત છે. વર્ષ 2025-26 માટે કુલ 1,872 સ્કાઉટ-ગાઈડ્સે રાજ્ય પુરસ્કારની સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં 1,032 સ્કાઉટ્સ, 19 રોવર અને 799 ગાઈડ્સનો સમાવેશ થાય છે. આજના સમારોહમાં 17 જિલ્લાના કુલ 815 બાળકો પ્રત્યક્ષ રીતે સહભાગી થયા છે. તેમણે ઉમેર્યું કે, આ સંસ્થા બાળકોમાં શિસ્ત, સેવા, કરુણા, નેતૃત્વ અને રાષ્ટ્રભાવ જેવા ગુણોનું સિંચન કરે છે.

આ અવસરે સ્કાઉટ્સ-ગાઈડ્સ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના રાજ્યના મુખ્ય કમિશનર સવિતાબેન પટેલ, વાઈસ પેટ્રન અને ઓરિસ્સા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કલ્પેશભાઈ ઝવેરી, રાજ્ય આયુક્ત (ગાઈડ) અંજનાબેન ચૌધરી, ઉપાધ્યક્ષ દિલીપભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ ડાહ્યાભાઈ પટેલ તેમજ રાજ્ય કોષાધ્યક્ષ છનાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande