
સુરત, 15 માર્ચ (હિ.સ.): ઓલપાડ સ્થિત પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ કેળવણી મંડળના પુરષોત્તમ ફાર્મર્સ સાંસ્કૃતિક ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ-ઉચ્છલ અને ઓલપાડ-ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લિ.ના સંયુક્ત ઉપક્રમે 'પ્રાકૃતિક કૃષિ જન જાગૃતિ શિબિર' યોજાઈ હતી.
આ તકે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં કેન્સર, ડાયાબિટીસ અને કિડની ફેલ થવા જેવી ગંભીર બીમારીઓનું મૂળ આપણી આહાર પદ્ધતિ અને રાસાયણિક ખેતી છે. છેલ્લા કેટલાય વર્ષોથી રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂંધ વપરાશને કારણે ધરતી સાથે માનવ જીવન પણ જોખમમાં મુકાયું છે. જે રીતે જંગલોમાં કોઈ પણ ખાતર કે દવા વગર વૃક્ષો લીલાછમ રહે છે, તે જ પ્રાકૃતિક સિદ્ધાંત હવે આપણા ખેતરોમાં અમલ કરવાનો સમય આવી ગયો છે. પ્રાકૃતિક ખેતી આવનારી પેઢીને શુદ્ધ હવા, પાણી અને ફળદ્રુપ જમીન વારસામાં આપવાનો એક સેવાયજ્ઞ છે.
રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડથી પણ વધારે સૂક્ષ્મજીવાણુઓ છે, અને ગૌમૂત્ર ખનિજોનો ભંડાર છે. જીવામૃત અને ઘન જીવામૃત દ્વારા જમીનમાં અળસિયા અને મિત્ર કીટકોની સંખ્યા વધે છે, જે કુદરતી રીતે જમીનને ફળદ્રુપ બનાવે છે. જૈવિક ખેતીમાં ઉત્પાદન ઓછું અને મહેનત વધુ થાય છે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ઓછી મહેનતે વધુ ઉત્પાદન મળે છે.
રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અમલી થયું છે. ગુજરાતમાં અત્યારે 8 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. દેશના કરોડો રૂપિયા યૂરિયા-ડીએપીની સબસિડી પાછળ વેડફાય છે. જો પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે તો આ ખર્ચ બચી શકે છે.
રાજ્ય સરકારના સહયોગથી આ મિશન હવે જન-આંદોલન બન્યું છે એમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, જો આપણે આવનારી પેઢીને કેન્સર જેવી ઘાતક બીમારીઓથી બચાવવી હશે અને ખેડૂતોની આવક બમણી કરવી હશે તો પ્રાકૃતિક ખેતી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.
પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીના વધતા વ્યાપ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી એક જન આંદોલન બની છે. દેશના તમામ ખેડૂતોને આ સુરક્ષિત ખેતી પદ્ધતિ અપનાવવા માટે સતત પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા ડાંગ જિલ્લાને સંપૂર્ણપણે 'પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો' જાહેર કરવામાં આવ્યો છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતી ઝેરમુક્ત વસ્તુઓની માંગ એટલી વધી છે કે, ગ્રાહકોએ વસ્તુઓ ખરીદવા માટે વેટિંગ કરવું પડે છે.
રાજ્યપાલએ શિબિરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પ્રદર્શિત કરાયેલા અનાજ-ફળો, પ્રાકૃતિક ખાતર (જીવામૃત, ઘનજીવામૃત) પ્રદર્શનને નિહાળ્યું હતું.
આ પ્રસંગે ઓલપાડ ચોર્યાસી સંઘના પ્રમુખ જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ યોગેશભાઈ ગામીત, પુરુષોતમ ફાર્મર્સના મનહરભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી નિતેશભાઈ ગામીત, અગ્રણીઓ, ગ્રામજનો સહિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે