
વાપી, 15 માર્ચ (હિ.સ.): વાપી નજીકથી એક યુવાનને કારમાં હથિયાર સમાન વસ્તુ લઈને ફરતા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
માહિતી મુજબ, વાપી ડુંગરા પોલીસની ટીમ શુક્રવારે દાદરા ચેકપોસ્ટ પાસે નિયમિત વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન સેલવાસા તરફથી આવતી હ્યુન્ડાઇ i20 કાર (નંબર DD-03-H-1841)ને રોકીને તપાસ કરવામાં આવી હતી.
કારની અંદર તપાસ કરતાં લાકડામાં તાર વીંટાળીને બનાવેલું હથિયાર મળી આવ્યું હતું. કાર ચલાવી રહેલા યુવક પાસે આ વસ્તુ વિશે પૂછપરછ કરવામાં આવતા તે યોગ્ય જવાબ આપી શક્યો ન હતો.
પોલીસે કાર ચાલક મિત રાજુ ભુલા પટેલ, રહે. ડુંગરા ચંદનવાડી, બ્રહ્મદેવ મંદિર નજીક, વાપી સામે જાહેરનામા ભંગ હેઠળ જીપીએક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે