
વલસાડ, 18 માર્ચ (હિ.સ.): વાપી મહાનગરપાલિકાએ બાકી મિલકતવેરાની વસૂલાત માટે તીવ્ર અભિયાન શરૂ કર્યું છે. નોટિસ આપવાની સાથે મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાતા, કરદાતાઓમાં જાગૃતિ વધતી જોવા મળી રહી છે અને ઘણા લોકોએ બાકી રકમ ભરવાની શરૂઆત કરી છે.
માર્ચના પ્રથમ પખવાડિયામાં કુલ 3512 મિલકતધારકોએ પોતાનો બાકી વેરો ચૂકવી દીધો છે, જેના કારણે પાલિકાને ₹2.26 કરોડની આવક થઈ છે. પાલિકાએ ચેતવણી આપી છે કે 1 એપ્રિલ પછી બાકી રકમ પર 12 ટકા વ્યાજ લાગુ થશે. અત્યાર સુધી 2025-26 માટે કુલ ₹41 કરોડની વસૂલાત નોંધાઈ ચૂકી છે.
વેરા વસૂલાત માટેની ટીમોએ વિવિધ વિસ્તારોમાં સર્વે કરીને લાંબા સમયથી વેરો ન ભરનારાઓ સામે પગલા લીધા છે. ડુંગરા અને વાપીના અનેક એપાર્ટમેન્ટ અને સોસાયટીઓમાં મળીને કુલ 44 રહેણાંક મિલકતો સીલ કરવામાં આવી છે, જેથી બાકીદારોમાં ચિંતા અને સજાગતા બંને જોવા મળી છે.
પાલિકાએ વધુમાં જણાવ્યું છે કે, જે કરદાતાઓ અંતિમ નોટિસ છતાં પણ વેરો નહીં ભરે, તેમની મિલકતો જપ્ત કરી હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વિભાગે તમામ મિલકતધારકોને સમયસર વેરો ચૂકવવા અપીલ કરી છે, જેથી વ્યાજ, દંડ અને સીલિંગ જેવી કાર્યવાહીથી બચી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે