
ગીર સોમનાથ, 18 માર્ચ (હિ.સ.) કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રના પુરવઠા વિભાગ દ્વારા સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લામાં ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જેના ભાગરૂપે પુરવઠા અધિકારીઓની અલગ-અલગ ટીમો દ્વારા ગીર સોમનાથ જિલ્લાની ૪૮ જેટલી સ્થાનિક હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના વિવિધ એકમો પર તેમજ ૨૧ ગેસ એજન્સીઓની આકસ્મિક તપાસ હાથ ધરી ૦૬ ગેસ સિલિન્ડર સીઝ કરી રૂ.૪.૧૭ લાખનો જથ્થો સીઝ કર્યો હતો.
તપાસ દરમિયાન ખાસ કરીને વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. હોટલ સંચાલકો દ્વારા નિયમ મુજબના સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ, વધુ સંગ્રહ કરવામાં આવ્યા છે કે કેમ, તેની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એલ.પી.જી. ગેસના ગોડાઉનો ખાતે પણ પુરવઠા વિભાગ દ્વારા તપાસનો દોર લંબાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનોમાં રહેલા સ્ટોક રજિસ્ટરની એન્ટ્રીઓ અને ત્યાં ઉપલબ્ધ પ્રત્યક્ષ જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી.
ગેસના જથ્થામાં કોઈ વિસંગતતા જણાય અથવા સંગ્રહખોરી કરવામાં આવતી હોય તો તેને અટકાવવા માટે તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે તેમજ તમામ ગેસ એજન્સી પર એક એક્ઝિક્યૂટીવ મેજિસ્ટ્રેટ તથા પોલીસની નિમણૂક કરી દેખરેખ રાખવામાં આવી રહી છે.
જિલ્લા પુરવઠા નિરીક્ષકો દ્વારા આગામી સમયમાં પણ વિવિધ સ્થળોએ આવી ચકાસણી સતત ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ