
પાટણ, 18 માર્ચ (હિ.સ.)ચાણસ્મા નગરપાલિકા દ્વારા ‘સરકાર તમારા દ્વારે’ અભિયાન અંતર્ગત શારદાબા હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. સોમવાર બાદ જરૂરિયાત જણાતા બુધવારે ફરી આયોજન કરવામાં આવ્યું, જેમાં મામલતદાર V.K. Gadhviની ઉપસ્થિતિ અને માર્ગદર્શન રહ્યું.
કાર્યક્રમનો હેતુ નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો હતો. જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ અને રેશનકાર્ડમાં સુધારા સહિતના વિવિધ કામો સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક કરવામાં આવ્યા. જનસુવિધા કેન્દ્ર, પુરવઠા વિભાગ, એસ.ટી. વિભાગ અને આરોગ્ય વિભાગે સેવાઓ આપી.
સવારથી જ મોટી સંખ્યામાં નાગરિકો કાર્યક્રમમાં ઉમટી પડ્યા અને વિવિધ યોજનાઓ માટે જરૂરી કામો પૂર્ણ કર્યા. પાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલ, મીરાંબેન સહિત કર્મચારીઓએ આયોજનમાં સહયોગ આપ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ