
પાટણ, 18 માર્ચ (હિ.સ.) : પાટણની શેઠ એમ.એન. સાયન્સ કોલેજના વિદ્યાર્થી કુલદીપ પટેલે ‘વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ-2026’માં સતત બીજા વર્ષે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. દેશભરના 50 લાખથી વધુ યુવાનોમાંથી પસંદગી મેળવી, તેણે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વડાપ્રશાન નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા. પ્રથમ ચરણમાં લાખો નોંધણીઓમાંથી બીજા ચરણમાં 2.5 લાખ અને અંતે માત્ર 45 યુવાનોની પસંદગી થઈ હતી, જેમાં કુલદીપે ફરી સ્થાન મેળવ્યું.
કુલદીપનો અગાઉ રજૂ કરેલો ‘સિંગલ ટુરિઝમ વેબસાઈટ’નો વિચાર ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સ્વીકારી અમલમાં મૂકાયો હતો. આ વર્ષે તેણે આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમાં શહેરી મહિલાઓને ક્રિએટર ઇકોનોમી સાથે જોડવી અને ખેતી ક્ષેત્રની છૂપી બેરોજગારી ઘટાડવા જેવા મુદ્દાઓ સામેલ હતા. તે ઉપરાંત મહિલા સંચાલિત સેલ્ફ હેલ્પ ગ્રુપને વ્યવસાયિક એન્ટરપ્રાઇઝમાં રૂપાંતરિત કરવાની નવી દિશા દર્શાવી. તેની સફળતા પાછળ કોલેજના પ્રાધ્યાપક ડો. એલ. એસ. ભુતડિયા અને સંસ્થાનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે. સતત બે વર્ષ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામીને કુલદીપ રાજ્યના પ્રતિભાશાળી યુવાનોમાં સ્થાન પામ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ