
વિધાનસભામાં ધારાસભ્યશ્રીઓએ કરેલા હકારાત્મક સૂચનો-રજૂઆતો પર સત્વરે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીનો રાજ્યના વહીવટી તંત્રને આદેશ: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
ગાંધીનગર, 19 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકોના હિતમાં એક અત્યંત પ્રેરણાદાયી અને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.
મંત્રી વાઘાણીએ આ સંદર્ભે ઉમેર્યું હતું કે, હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન વિવિધ વિભાગોની માંગણીઓ અને વિધેયકો પરની ચર્ચામાં શાસક પક્ષ અને વિપક્ષના સભ્યઓ દ્વારા અનેક મહત્વપૂર્ણ સૂચનો, પ્રશ્નો અને રજૂઆતો કરવામાં આવતી હોય છે. મુખ્યમંત્રીએ આ તમામ રજૂઆતો અને સૂચનોને માત્ર ગૃહની ચર્ચા પૂરતી મર્યાદિત ન રાખતા, તેને વહીવટી સ્તરે અમલમાં મૂકવા માટે ગંભીરતા દાખવી છે.
આ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિભાગોના સચિવઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, ધારાસભ્યઓ દ્વારા ગૃહમાં નાગરિકોના હિતમાં જે કોઈ સૂચનો કરવામાં આવ્યા હોય તેની વિગતવાર નોંધ લેવી. જો કોઈ સરકારી નીતિને કારણે અજાણતા પણ નાગરિકોને મુશ્કેલી પડતી હોય અથવા નીતિ વિષયક સુધારાથી નાગરિકોની સુખાકારીમાં વધારો થતો હોય, તો તેવી નીતિઓમાં જરૂરી સુધારા કરવા માટે તત્કાલ પ્રક્રિયા હાથ ધરવી. આ ઉપરાંત ધારાસભ્યઓએ જનતાની સુખાકારી માટે કરેલા હકારાત્મક સૂચનોને પોઝિટિવ એપ્રોચ સાથે વહીવટી માળખામાં વણી લેવા પણ મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં આદેશ આપ્યો હતો.
મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું કે, સરકારનો ઉદ્દેશ્ય વધુમાં વધુ નાગરિકોને સરકારી યોજનાઓ અને નીતિઓનો લાભ સરળતાથી મળે તે સુનિશ્ચિત કરવાનો છે. સમયાંતરે અનેક નીતિઓ અને યોજનાઓમાં જરૂરી સુધારા ધારાસભ્યઓ દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવતા હોય છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજ્ય સરકારની કામગીરીમાં વધુ પારદર્શિતા આવશે અને પ્રજાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવશે.
રાજ્ય સરકાર પ્રજાની આશા અને અકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે મક્કમતા સાથે આગળ વધી રહી છે અને આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને વધુ સાર્થક કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ