
ગીર સોમનાથ, 23 માર્ચ (હિ.સ.) : સોમનાથના શ્રીરામ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં સુરક્ષા દળના જવાનો, પોલીસ વિભાગ, તટ રક્ષક દળ અને આર્મીના કર્મચારીઓને શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. બ્રહ્માકુમારી વિશ્વાબેને આ અંગે માહિતી આપી હતી. ઉત્તર પ્રદેશના સારંગપુરથી આવેલા બી.કે. સૌરભ ભાઈએ 'શાંત મન – સક્ત રાષ્ટ્રનું નિર્માણ' વિષય પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રસેવામાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તે અત્યંત જરૂરી છે. આ માટે સ્વસ્થ આહાર, દિવસમાં સાત કલાકની પૂરતી ઊંઘ અને પ્રાણાયામ તેમજ વ્યાયામ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે. કાર્યક્રમ દરમિયાન, પોલીસ વિભાગના કર્મચારીઓને તેમની ફરજ ઉપરાંત પરિવાર સાથે સંયમ અને શાંત મનથી સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ સરખી હોતી નથી, તેથી તેને સમજીને કાઉન્સિલિંગ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર નિર્માણમાં સુરક્ષા દળ અને પોલીસ વિભાગ અવિરતપણે પોતાની ફરજ નિભાવે છે. તેમના માનસિક સંતુલન જળવાઈ રહે તેવા શુભ હેતુથી સમગ્ર ગુજરાતમાં આવા આયોજનો કરવાનું આહ્વાન કરાયું છે. આના ભાગરૂપે, ગીર સોમનાથ જિલ્લાના એસપી જયદીપસિંહ જાડેજા, ડી વાય એસ પી ખેંગાર સાહેબ, પીઆઈ ગોસ્વામી સાહેબ અને પીઆઈ ગઢવી સાહેબ સહિતના અધિકારીઓના સહયોગથી આ વર્કશોપ યોજાયો હતો. જેમાં 300થી વધુ પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસકર્મીઓએ લાભ લીધો હતો.
બી.કે. અસ્મિતા દીદીએ ધ્યાન તકનીક પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે રોજ સવારે 10 મિનિટ માટે મેડિટેશન કરવાથી માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવું અત્યંત આવશ્યક છે. શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે મેડિટેશન એકમાત્ર એવો ઉપાય છે જેનાથી તણાવમુક્ત જીવન જીવી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ