ઘરકામ સાથે વ્યવસાય કરી આત્મનિર્ભર બની મહિલાઓ: સાવરકુંડલાની શારદાબેનનું પ્રેરણાદાયક ઉદાહરણ
અમરેલી,24 માર્ચ (હિ.સ.) અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે મહિલાઓ માત્ર ઘરકામ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ પોતાના નિવાસ્થાને બેસીને વિવિધ નાના-મોટા વ્યવસાય દ્વારા સારી આવક મેળવી રહી છે. આવી જ એક પ્રેરણાદાયક કહાની સાવરકુંડલા શહેરની શારદાબેન સ
ઘરકામ સાથે વ્યવસાય કરી આત્મનિર્ભર બની મહિલાઓ: સાવરકુંડલાની શારદાબેનનું પ્રેરણાદાયક ઉદાહરણ


અમરેલી,24 માર્ચ (હિ.સ.)

અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે મહિલાઓ માત્ર ઘરકામ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ પોતાના નિવાસ્થાને બેસીને વિવિધ નાના-મોટા વ્યવસાય દ્વારા સારી આવક મેળવી રહી છે. આવી જ એક પ્રેરણાદાયક કહાની સાવરકુંડલા શહેરની શારદાબેન સોડિગરાની છે, જેઓ છેલ્લા 25 વર્ષથી ઘરકામ સાથે વ્યવસાય કરીને આત્મનિર્ભર બન્યા છે.

શારદાબેન જણાવે છે કે તેઓએ 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને પરિવાર સાથે સાવરકુંડલા શહેરમાં રહે છે. લગભગ 25 વર્ષ પહેલાં “ખાખરા મંડળ” સાથે જોડાઈને તેમણે પોતાની વ્યવસાયિક સફર શરૂ કરી હતી. શરૂઆતમાં તેઓ માત્ર પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે કામ કરતા હતા, પરંતુ ધીમે ધીમે આ કાર્ય તેમનો સ્થિર આવકનો સ્ત્રોત બની ગયો.

તેઓ આજે ખાખરા, અથાણા, વેફર અને થેપલા જેવા ઘરેલું નાસ્તા બનાવે છે અને વેચાણ કરે છે. ખાસ કરીને ઓર્ડર મુજબ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે, જેથી ગુણવત્તા જળવાઈ રહે છે અને ગ્રાહકોનો વિશ્વાસ વધે છે. વર્ષભર ખાસ કરીને અથાણાં બનાવવાનું કામ સતત ચાલતું રહે છે, જેનાથી તેમને સ્થિર આવક મળે છે.

તેમણે જણાવ્યા મુજબ, વેફરના ભાવ લગભગ ₹600 સુધી, ખાખરાના ₹280 સુધી અને અથાણાંના ₹500 સુધી હોય છે. આ તમામ ઉત્પાદનોના વેચાણથી તેઓ દર મહિને અંદાજે ₹15 હજારથી ₹20 હજાર સુધીની આવક મેળવે છે, જે પરિવાર માટે મહત્વપૂર્ણ સહારો બની છે.

શારદાબેન કહે છે કે, “હું તમામ મહિલાઓને કહેવા માંગું છું કે ઘરકામની સાથે થોડો સમય કાઢીને નાનકડો વ્યવસાય શરૂ કરવો જોઈએ. આવું કરવાથી પરિવાર આર્થિક રીતે મજબૂત બને છે અને મહિલાઓને આત્મવિશ્વાસ પણ મળે છે.”

આજના સમયમાં ઘરેથી શરૂ થતો નાનો વ્યવસાય પણ મોટી સફળતા આપી શકે છે. સાવરકુંડલાની શારદાબેન જેવી મહિલાઓ અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણા બની રહી છે, જે બતાવે છે કે સંકલ્પ અને મહેનતથી કોઈપણ મહિલા આત્મનિર્ભર બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande