
અમરેલી,, 24 માર્ચ (હિ.સ.)અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે માત્ર ખેતી પાકને જ નહીં પરંતુ ઈંટોના ભઠ્ઠા વ્યવસાયને પણ ભારે અસર પહોંચાડી છે. વાવાઝોડા સમાન પવન સાથે ખાબકેલા વરસાદના કારણે ઈંટો બનાવતા પ્રજાપતિ કારીગરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કાચી માટી અને કોલસાથી તૈયાર થતી ઈંટો વરસાદી પાણીમાં પલળી જતા મોટા પાયે નુકસાન નોંધાયું છે.
જિલ્લાના વડીયા સહિતના વિસ્તારોમાં ઈંટોના ભઠ્ઠા પર ભારે અસર જોવા મળી રહી છે. ઈંટ બનાવવાની પ્રક્રિયામાં કાચી ઈંટોને સુકવવા માટે ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવે છે. પરંતુ અચાનક પડેલા વરસાદે આ તમામ પ્રક્રિયા ખોરવી નાખી છે. તૈયાર થતી અને સુકાઈ રહેલી ઈંટો પાણીમાં ભીંજાઈ જતાં ભાંગી પડી છે અને ભુક્કો થઈ ગઈ છે. પરિણામે કારીગરોની રાત-દિવસની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
વડીયાના પ્રવીણભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી ઈંટોના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વર્ષે પણ ઈંટો પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ઈંટો સુકાઈ રહી હતી. સાથે જ નવી ઈંટો બનાવવાની પ્રક્રિયા પણ ચાલુ હતી. પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદે આખી વ્યવસ્થા બગાડી નાખી. તેમણે જણાવ્યું કે માત્ર તેમના ભઠ્ઠામાં જ અંદાજે પાંચ લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ઈંટોના ભઠ્ઠા ચલાવતા અન્ય કારીગરોને પણ એક લાખથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીનું નુકસાન સહન કરવું પડ્યું છે. વરસાદી પાણીના કારણે ભઠ્ઠાઓમાં રાખેલી ઈંટો સંપૂર્ણપણે બગડી ગઈ છે, જેના કારણે વેપારીઓ અને મજૂરો બંનેને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
પ્રજાપતિ સમાજના કારીગરો માટે આ વ્યવસાય જીવનજરૂરી આવકનો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ સતત આવી રહેલા કમોસમી વરસાદે તેમના રોજગાર પર ગંભીર અસર કરી છે. હાલ કારીગરો ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે અને આગળની કામગીરી માટે પણ મૂંઝવણમાં છે.
કારીગરોએ સરકાર પાસે તાત્કાલિક રાહત અને સહાયની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે કુદરતી આફતના કારણે થયેલા આ નુકસાનને પહોંચી વળવા માટે સરકાર દ્વારા સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે તો તેમને મોટી રાહત મળશે.
આ રીતે, કમોસમી વરસાદે ખેતી સાથે સાથે ઈંટોના ભઠ્ઠા ઉદ્યોગને પણ ભારે ઝાટકો આપ્યો છે, જેના કારણે જિલ્લામાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai