જૂનાગઢ જિલ્લો ટીબી મુક્ત બનવા તરફ અગ્રેસર: ૨૦૨૫સુધીમાં ૩૨૯ ગ્રામ પંચાયતો જાહેર થઈ ટીબી મુક્ત
જૂનાગઢ 23 માર્ચ (હિ.સ.) હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ ના દ્રઢ સંકલ્પ સાથે જૂનાગઢ જિલ્લો ટીબી મુક્ત બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યો છે. વર્ષ ૨૦૨૫માં જિલ્લાની કુલ ૪૯૩ પંચાયતો પૈકી ૩૨૯ પંચાયતો (૬૭%) ટીબી મુક્ત જાહેર થઈ ચૂકી છે. આ ભગીરથ કાર્યમાં
જૂનાગઢ જિલ્લો ટીબી મુક્ત બનવા તરફ અગ્રેસર:


જૂનાગઢ 23 માર્ચ (હિ.સ.) હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ ના દ્રઢ સંકલ્પ સાથે જૂનાગઢ જિલ્લો ટીબી મુક્ત બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યો છે. વર્ષ ૨૦૨૫માં જિલ્લાની કુલ ૪૯૩ પંચાયતો પૈકી ૩૨૯ પંચાયતો (૬૭%) ટીબી મુક્ત જાહેર થઈ ચૂકી છે. આ ભગીરથ કાર્યમાં જનભાગીદારી વધારવા માટે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ પોતે 'નિક્ષય મિત્ર' બની આ જન આંદોલનમાં જોડાયા છે. આવતીકાલે ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસના અવસરે ટીબી મુક્તની દિશામાં શ્રેષ્ઠ કામ કરનાર પંચાયતોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવશે, સાથે જ વણશોધાયેલા દર્દીઓને શોધવા ૧૦૦ દિવસનું વિશેષ અભિયાન પણ શરૂ કરવામાં આવશે.

ટીબી મુક્ત ભારત અભિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ આરોગ્ય કાર્યક્રમ છે, જેનો મુખ્ય હેતુ દેશમાં ટીબીના રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. આ અભિયાન હેઠળ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે અને દર વર્ષે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ટીબી મુક્ત ભારત અંતર્ગત જૂનાગઢ જિલ્લાની સમગ્ર આરોગ્ય ટીમ ઘનિષ્ઠ પ્રયાસ કરી રહી છે. જિલ્લામાં ટીબીના ઝડપી અને ચોક્કસ નિદાન માટે બે CBNAAT અને ૮ TRUNAAT મશીન દરેક તાલુકા કક્ષાએ ઉપલબ્ધ છે. જેમા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મશીન દ્વારા ટીબીના રોગનું તાલુકા તથા જિલ્લા કક્ષાએ તપાસ અને નિદાન કરવામાં આવે છે. તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી રોગનું નિદાન તથા સારવાર થાય છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ૫૦ બેડનો ટીબી વોર્ડ પણ કાર્યરત છે. તેમજ ૧૦૦૦૦૦ ની વસ્તી એ ૩૦૦૦ થી વધારે ગળફાનું તપાસ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના જોખમી વિસ્તારોમાં ઘરે જઈને એક્સ રે દ્વારા પણ નિદાન કરવામાં આવે છે. તેમજ દસ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ એક્સરે મશીન દ્વારા નિદાન કરવામાં આવે છે.

આ અભિયાન હેઠળ તમામ ટીબી દર્દીઓને મફત સારવાર આપવામાં આવે છે અને જરૂર મુજબ પોષણ સહાય પણ આપવામાં આવે છે, જેથી દર્દી ઝડપથી સાજા થઈ શકે. સરકાર દ્વારા TB દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને રોગથી બચાવવા માટે Preventive Therapy (TPT) પણ આપવામાં આવે છે. સાથે સાથે “નિક્ષય મિત્ર યોજના” દ્વારા સામાન્ય નાગરિકો, સંસ્થાઓ અને સ્વયંસેવકો દર્દીઓને દત્તક લઈ તેમને પોષણ અને અન્ય જરૂરી સહાય પૂરી પાડે છે. આ યોજના દ્વારા સમાજની ભાગીદારી વધે છે અને દર્દીઓના સારવાર પરિણામોમાં સુધારો થાય છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન જૂનાગઢ જિલ્લાની આંકડાકીય માહિતી જોઇએ તો કુલ દર્દીઓ ૮૯૨ સ્વસ્થ થયા છે.

ટીબી મુક્ત પંચાયત જેવી પહેલ દ્વારા ગ્રામ સ્તરે પણ ટીબી સામે લડત મજબૂત બનાવવામાં આવી રહી છે, જેમાં ગામોને TB Free તરીકે પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ તમામ પ્રયત્નોથી દેશમાં ટીબીના કેસોમાં ઘટાડો અને સારવારના દરમાં વધારો નોંધાયો છે. આમ, સરકાર અને જનભાગીદારી સાથે સમયસર નિદાન, યોગ્ય સારવાર અને જાગૃતિ દ્વારા ટીબી મુક્ત ભારતનું સપનું સાકાર થઈ શકે છે.

જૂનાગઢ જિલ્લામાં ટીબી નિર્મૂલન માટે થયેલી કામગીરીના પરિણામે વર્ષ ૨૦૨૫ સુધી માં કુલ ૪૯૩ પંચાયતો પૈકી ૩૨૯ (૬૭%) પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ ૧૧૮ પંચાયતોને ગોલ્ડ, ૧૨૦ને સિલ્વર અને ૯૧ પંચાયતોને બ્રોન્ઝ સર્ટિફિકેટ આવતી કાલે એનાયત કરવામાં આવશે એમ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ચંદ્રેશ વ્યાસે જણાવ્યુ હતુ.

વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં જૂનાગઢ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા '100 Days TB Case Detection Campaign' શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં છુપાયેલા ટીબીના દર્દીઓને શોધી, તેમને વહેલી તકે સારવાર પર મૂકી મૃત્યુદર ઘટાડવાનો છે.

આ અભિયાન અંતર્ગત આશા બહેનો અને આરોગ્ય કાર્યકરો દ્વારા 'Vulnerability Mapping' કરી ૬૦ વર્ષથી વધુ વયના વ્યક્તિઓ, ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ અને કુપોષિત વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે. જો કોઈને ૨ અઠવાડિયાથી વધુ ખાંસી, તાવ કે વજનમાં ઘટાડો જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા ક્ષય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.

ટીબી મુક્ત ભારત બનાવવા માટે માત્ર સરકારી તંત્ર જ નહીં પણ જનભાગીદારી પણ એટલી જ મહત્વની છે. જૂનાગઢ જિલ્લામાં 'નિક્ષય મિત્ર' યોજના હેઠળ દાતાઓ દ્વારા દર્દીઓને પોષણયુક્ત આહાર કીટ આપવામાં આવે છે, જેમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પણ સહભાગી થયા છે.

સરકાર દ્વારા સાદા ટીબી માટે ૬ માસ અને હઠીલા ટીબી (BPALM) માટે ૬.૫ માસની સારવાર સંપૂર્ણ મફત આપવામાં આવે છે. જે નાગરિકો નિક્ષય મિત્ર તરીકે જોડાઈને દર્દીઓને મદદ કરવા ઈચ્છતા હોય તેઓ જિલ્લા ક્ષય અધિકારીના ફોન નંબર ૭૫૬૭૮૮૪૯૯૯ પર સંપર્ક કરી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande