નવસારી મનપાનું ₹1286 કરોડનું બજેટ: ગ્રીન એનર્જી, ઝીરો વેસ્ટ અને ટેક્સમાં રાહત પર ફોકસ
નવસારી, 23 માર્ચ (હિ.સ.) નવસારી મહાનગરપાલિકાએ 2026-27 માટે ₹1286 કરોડનું મહત્વપૂર્ણ બજેટ રજૂ કર્યું છે, જે ગયા વર્ષના ₹847 કરોડની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે. ટાઉન હોલમાં યોજાયેલી ખાસ સામાન્ય સભામાં આ બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ
Navsari


નવસારી, 23 માર્ચ (હિ.સ.) નવસારી મહાનગરપાલિકાએ 2026-27 માટે ₹1286 કરોડનું મહત્વપૂર્ણ બજેટ રજૂ કર્યું છે, જે ગયા વર્ષના ₹847 કરોડની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે. ટાઉન હોલમાં યોજાયેલી ખાસ સામાન્ય સભામાં આ બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ વખતે શહેરવાસીઓ પર કોઈ નવો ટેક્સ લાગુ કરવામાં આવ્યો નથી.

આ બજેટમાં પર્યાવરણમૈત્રી વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ટેક્સમાં રાહત, સોલર રૂફટોપ માટે ઇન્સેન્ટિવ અને રેન વોટર હાર્વેસ્ટિંગ જેવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ તમામ પગલાંઓ દ્વારા “ગ્રીન નવસારી” બનાવવાનો ઉદ્દેશ સ્પષ્ટ થાય છે.

સ્વચ્છતા ક્ષેત્રે પણ મોટા લક્ષ્યાંકો નક્કી કરાયા છે. શહેરના દરેક વોર્ડને ‘ઝીરો વેસ્ટ વોર્ડ’ બનાવવા માટે યોજના બનાવાઈ છે. ઈન્દોર જેવા સ્વચ્છ શહેરોની પ્રેરણા લઈને નવસારીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવાની દિશામાં કામ કરાશે.

આ ઉપરાંત, નાગરિકોના સૂચનોને ધ્યાનમાં રાખીને ડ્રેનેજ, પીવાના પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારા માટે મોટી જોગવાઈ કરવામાં આવી છે. માર્ગોના સુશોભીકરણ અને આધુનિક સુવિધાઓના વિકાસ સાથે નવસારીને સ્માર્ટ સિટી તરફ આગળ ધપાવવાનું મનપાનું લક્ષ્ય સ્પષ્ટ રીતે સામે આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande