
નવસારી, 23 માર્ચ (હિ.સ.): નવસારી સ્થિત પારસી સમાજ દ્વારા ‘અવા યઝદ’ પરબ ખૂબ શ્રદ્ધાભાવે ઉજવાયો હતો. આ પ્રસંગે પૂર્ણા નદીના કિનારે એકત્રિત થયેલા સમાજજનો દ્વારા જળદેવી ‘અવા બાનુ’નું વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું, જે પ્રકૃતિ પ્રત્યેની તેમની આસ્થા દર્શાવે છે.
ઉજવણી દરમિયાન ભક્તોએ નદીમાં ફૂલ, રેવડી અને નાળિયેર અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે પરંપરાગત દાળની પોળીનો પ્રસાદ તૈયાર કરી સૌએ એકબીજાને મોં મીઠું કરાવ્યું અને વિશ્વમાં સુખ-સમૃદ્ધિ તથા સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.
આ અવસરને વધુ અર્થપૂર્ણ બનાવતા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો. ખાસ કરીને પારસી વિસ્તારોમાં આવેલા જૂના કુવાઓને ફરી જીવંત કરવા અને તેમના સંવર્ધન માટે સંકલ્પ લેવામાં આવ્યો, જે સમાજમાં પ્રેરણાદાયી પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે