સુરત જિલ્લાના 9 તાલુકાઓમાં વર્ષ 2021થી 2025 સુધી 14 હજારથી વધુ દર્દીઓ ટી.બી મુક્ત બન્યા
સુરત, 23 માર્ચ (હિ.સ.) : વિશ્વ સહિત દેશભરમાંથી ટી.બી. (ટ્યુબરક્યુલોસિસ) ના દર્દીઓને ઓળખી યોગ્ય નિદાન અને ચોક્કસ સારવાર દ્વારા TBને નાબુદ કરવાના ઉદ્દેશથી દર વર્ષે તા.24 માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 2026 માટે આ દિવસની
Surat


સુરત, 23 માર્ચ (હિ.સ.) : વિશ્વ સહિત દેશભરમાંથી ટી.બી. (ટ્યુબરક્યુલોસિસ) ના દર્દીઓને ઓળખી યોગ્ય નિદાન અને ચોક્કસ સારવાર દ્વારા TBને નાબુદ કરવાના ઉદ્દેશથી દર વર્ષે તા.24 માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 2026 માટે આ દિવસની થીમ Yes! We Can End TB!, LED BY COUNTRIES, POWERD BY PEOPLE રાખવામાં આવી છે. આ માત્ર એક સૂત્ર નથી, પરંતુ સમાજ અને લોકોનો સામુદાયિક સંકલ્પ છે.

આ સંકલ્પ હેઠળ સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ક્ષય નિવારણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરાઈ રહી છે. ક્ષય નિવારણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને અભિયાન કાર્યરત છે. જે અંતર્ગત સુરત જિલ્લાના બારડોલી, ચોર્યાસી, માંડવી, પલસાણા, ઉમરપાડા, કામરેજ, મહુવા, માંગરોળ અને ઓલપાડ સહિતના 9 તાલુકાઓમાં ટીબીના દર્દીઓની ઓળખ, નિદાન અને સારવાર થકી સરકારના ટીબી મુક્ત ભારતના ધ્યેયને સાકારિત કરવામાં આવી રહ્યું છે.

સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા ટી.બી અધિકારી ડો.દિનેશ વસાવાએ આપેલી માહિતી અનુસાર જિલ્લામાં કરાયેલી કામગીરી અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં 19,147 દર્દીઓ શોધાયા અને 14,647 દર્દીઓ યોગ્ય સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા છે.

આ વિષયમાં વધુ જણાવતાં ડો.દિનેશે જણાવ્યું કે, ટીબી ગ્રસ્ત દર્દીઓની સારવાર પહેલા તે સામાન્ય કે અતિ સંક્રમણ ધરાવે છે તેનું નિદાન કરવામાં આવે છે. અને તે અનુસાર તેમણે 6 મહિના કે તેથી વધુની સારવાર આપવામાં આવે છે. ટીબી નાબુદી માટે સુરત જિલ્લામાં કાર્યરત વિશેષ અભિયાનોમાં ‘ટીબી મુક્ત પંચાયત’માં કુલ 120 પંચાયતોનો સમાવેશ થાય છે. જેમાં 1 વર્ષથી વધુ ટીબી મુક્ત એટલે કે બ્રોન્ઝ શ્રેણીમાં 83, 2વર્ષથી વધુ ટીબી મુક્ત, સિલ્વર શ્રેણીમાં 30 અને 3વર્ષથી વધુ સમયથી ટીબી મુક્ત પંચાયતોમાં કુલ ૭ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્ય સહિત સુરત જિલ્લામાં ટીબી(ક્ષય) ના દર્દીઓને નિક્ષય પોષણ યોજના હેઠળ પૌષ્ટિક આહાર માટે દર મહિને ₹1000ની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં(DBT) આપવામાં આવે છે. આ સહાય સારવાર પૂર્ણ ન થાય ત્યાં સુધી મળે છે. ઉપરાંત ટીબીનું નિદાન અને દવાની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande