
બોટાદ, 23 માર્ચ (હિ.સ.) : રાણપુર તાલુકાના ખોખરનેશ ગામ સ્થિત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં સુરક્ષા અને જાગૃતિ વધારવાના હેતુથી “ગુડ ટચ – બેડ ટચ” વિષયક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના વિદ્યાર્થીઓને સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ વચ્ચેનો તફાવત સમજાવવાનો તથા તેઓને સ્વસુરક્ષા અંગે સજાગ બનાવવાનો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સરળ અને સમજાય તેવી ભાષામાં સમજાવવામાં આવ્યું કે કયો સ્પર્શ સારો હોય છે અને કયો ખોટો. બાળકોને શીખવવામાં આવ્યું કે જો કોઈ વ્યક્તિ તેમને અસ્વસ્થ બનાવે તેવો સ્પર્શ કરે, તો તે બાબત તરત જ માતા-પિતા, શિક્ષક અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિને જણાવવી જોઈએ. સાથે જ “ના” કહેવાની હિંમત અને પોતાની સુરક્ષા માટે અવાજ ઉઠાવવાની મહત્વતા પર પણ ભાર મૂકાયો.આ ઉપરાંત કાર્યક્રમમાં બાળ સુરક્ષા સંબંધિત વિવિધ કાયદાઓ, જેમ કે બાળકોને શોષણથી બચાવવા માટેના નિયમો અને સરકારની યોજનાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
વિદ્યાર્થીઓને તેમના અધિકારો વિશે માહિતગાર કરવામાં આવ્યા જેથી તેઓ કોઈ પણ અયોગ્ય પરિસ્થિતિ સામે ડર્યા વગર યોગ્ય પગલું લઈ શકે.કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે પ્રસ્તુતિ, વાર્તાઓ અને ઉદાહરણોનો સહારો લેવામાં આવ્યો, જેના કારણે બાળકોને વિષય વધુ સારી રીતે સમજાયો. શિક્ષકો દ્વારા બાળકો સાથે ખુલ્લી ચર્ચા પણ કરવામાં આવી, જેમાં બાળકોને તેમના પ્રશ્નો પૂછવાની તક આપવામાં આવી.આ જાગૃતિ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ પોતાની સુરક્ષા માટે વધુ સજાગ બન્યા છે. શાળા સંચાલક મંડળ અને શિક્ષકો દ્વારા આવા કાર્યક્રમો સતત યોજાતા રહે તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.આવા કાર્યક્રમો આજના સમયમાં ખૂબ જ જરૂરી છે, કારણ કે તે બાળકોને સુરક્ષિત અને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT