

- જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસ ખાતેથી પ્રારંભાયેલી રેલી જૂની કોર્ટ, સફેદ ટાવરથી મુખ્યમાર્ગ પર પસાર થઈને રેડક્રોસ સોસાયટી ખાતે સંપન્ન થઈ
- જન જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આજથી 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝૂંબેશનો પ્રારંભ
રાજપીપલા,24 માર્ચ (હિ.સ.) રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં 24 માર્ચના રોજ “વિશ્વ ક્ષય દિવસ”ની ઉજવણી કરવામાં આવી. Yes ! WE CAN End TB અંતર્ગત ટીબી હારેગા દેશ જીતેગા ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા “જન જાગૃતિ રેલી યોજાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસ ખાતેથી લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજપીપલા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ મનીષ મહેતાએ ટીબી રોગને ફેલાતો અટકાવવા માટે રાખવાની સાવચેતી, ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યામાં જઈએ તો માસ્કનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો, જેનાથી ટીબી જેવા7 રોગોને ફેલાતા રોકી શકાય છે. ટીબીના લક્ષણો જણાય તેવા નાગરિકોએ તબીબની સલાહ લઈ પૌષ્ટિક ખોરાક અને જરૂરી સાવચેતી સાથે દવાનો નિયમીત કોર્ષ પૂર્ણ કરવાથી ટીબી મટી શકે છે તેમ તેઓએ જણાવ્યું હતું.
જિલ્લા ક્ષય અધિકારી ઝંખના વસાવાએ જણાવ્યું કે, ટીબી મુક્ત ભારત અભિયાન 2.0નું આજે કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા દ્વારા ઉત્તરપ્રદેશ ખાતેથી પ્રારંભ કરાવાશે. ગુજરાતમાં આજથી 100 દિવસનું અભિયાન પણ શરૂ થવાનું છે. નર્મદા જિલ્લામાં વર્નરેબલ હાઈરિસ્ક પોપ્યુલેશન 146 ગામોમાં છે અને અંદાજે એક લાખ 53 હજારની વસ્તીનો સમાવેશ થાય છે. આ તમામ નાગરિકોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જેમનામાં લક્ષણો જણાશે તેમનું સ્પુટમ લઈને ટ્રુનાટ સાઈટ પર મોકલવામાં આવશે. 14 વર્ષથી વધુની વયના નાગરિકોના એક્ષરે પાડવામાં આવશે. આ વખતની ઉજવણીની થીમ Yes ! WE CAN End TB, Lead by Bharat અને Powered by Janbhagidari છે, ત્યારે સૌ લોકપ્રતિનિધિઓ, આગેવાનો અને વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાય તેવી અપીલ કરી હતી.
જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસ, જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી પ્રારંભાયેલી જનજાગૃતિ રેલી જૂની કોર્ટ, સફેદ ટાવર, સંતોષ ચોકડી થઈને શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થઈને રેડક્રોસ સોસાયટી ખાતે સંપન્ન થઈ હતી. રેલીમાં નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ, આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યામાં જોડાઈને વિવિધ સ્લોગનના ઉચ્ચારણ અને પ્લે-કાર્ડ, બેનર્સ સાથે ટીબી જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ વેળાએ સરકારી નર્સીગ સ્કૂલ જીતનગરની વિદ્યાર્થીનીઓ દ્વારા 'ટીબી મુક્ત ભારત’ અંગે નાટક રજૂ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી નાંદોદ ડો.એ.કે.સુમન, ડો. પરિન્દ વસાવા, આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મીઓ, નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ