વલસાડના ધમડાચી અને ઉંટડી તેમજ પારડીના પરવાસા અને અંબાચ આયુષ્યમાન આરોગ્ય મંદિર એનક્યુએએસ પ્રમાણપત્રથી સન્માનિત થયા
વલસાડ, 23 માર્ચ (હિ.સ.): ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના ધમડાચી અને ઉંટડી તેમજ પારડી તાલુકાના પરવાસા અને અંબાચ પેટા આરોગ્ય કેન્દ્રો (આયુષ્યમાન આરોગ્ય મંદિરો)ને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ
Valsad


વલસાડ, 23 માર્ચ (હિ.સ.): ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના ધમડાચી અને ઉંટડી તેમજ પારડી તાલુકાના પરવાસા અને અંબાચ પેટા આરોગ્ય કેન્દ્રો (આયુષ્યમાન આરોગ્ય મંદિરો)ને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (એનક્યુએએસ) એટલે કે, રાષ્ટ્રીય ગુણવત્તાની ખાતરી ધોરણોનું રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ગત માસ દરમિયાન રાષ્ટ્રીય સ્તરની ટીમ આરોગ્ય ક્ષેત્રે વિવિધ માપદંડોના મૂલ્યાંકન માટે વલસાડ જિલ્લામાં આવી હતી. જેમાં વલસાડ તાલુકાના ધમડાચી અને ઉંટડી તેમજ પારડી તાલુકાના પરવાસા અને અંબાચ ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર (સબ સેન્ટર)માં વિવિધ સર્વિસ પેકેજ જેવા કે, સગર્ભા માતાની પ્રસુતિ, પ્રસુતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને 1 વર્ષથી નાના બાળકના આરોગ્યની સંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીઓને લગતી પુરતી આરોગ્ય સેવા, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ તેમજ તેને સંલગ્ન આરોગ્ય સેવાઓ, સામાન્ય બિમારીઓના ઉપચાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સઘન સંચાલન જેમાં સંચારી રોગચાળા સંબંધિત પ્રોગ્રામ અમલીકરણ, ડાયાબીટીસ, હાયપર ટેન્શન, કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન અને સારવાર, આંખ, કાન, નાક તથા ગળાને લગતી બિમારી અને રોગોનું સ્ક્રીનીંગ નિદાન તેમજ સારવાર, દાંતના આરોગ્યને સંબંધિત સેવાઓ, માનસિક આરોગ્યને લગતી બિમારીઓનું નિદાન તેમજ સારવાર, વધુ વય ધરાવતા વ્યકિતઓ માટે ઉંમર સંલગ્ન સારવાર તેમજ ઈમરજન્સી સેવાઓ સાથે સાથે કાર્યક્રમો તથા જનરલ એડમિનિસ્ટ્રેશન, ફાઈનાન્સને લગતી વિવિધ બાબતો તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓનું ચેકિંગ રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ દર્દીને કેવી રીતે સારવાર આપવામાં આવે છે, દર્દીને સરકારી સેવાથી સંતોષ છે કે કેમ, અધિકારી અને કર્મચારીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, સરકારના નિયમ મુજબ રેકર્ડ ચકાસણી કરવામાં આવી હતી. ટીમ દ્વારા ચકાસણી બાદ પરિણામ જાહેર કરાતા વલસાડ તાલુકાના ધમડાચી આયુષ્યમાન આરોગ્ય મંદિરને 91.31 ટકા અને ઉંટડી ગામના આયુષ્યામાન આરોગ્ય મંદિરને 83.36 ટકા જ્યારે પારડી તાલુકાના પરવાસા સબ સેન્ટરને 89.37 ટકા અને અંબાચ સેન્ટરને 96.15 ટકા સાથે એનક્યુએએસ પ્રમાણપત્ર મળતા જિલ્લા આરોગ્ય તંત્રમાં ખુશીની લહેર ફરી વળી હતી.

વલસાડ જિલ્લા કવોલિટી એન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ પટેલે જણાવ્યું કે, આગામી સમયમાં જિલ્લાના તમામ આ.આ.મં.માં રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા તપાસ કરી મૂલ્યાંકન કરવામાં આવશે. જેથી છેવાડાના દર્દીઓને પણ વધુમાં વધુ સારી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરી શકાય છે, જેથી સરકારનો હેતુ સિધ્ધ થશે. જિલ્લામાં કુલ 377 આયુષ્યમાન આરોગ્ય મંદિર (સબ સેન્ટર) જેમાંથી અત્યાર સુધીમાં કુલ 94 પાસ થયા છે. જિલ્લાના તમામ સબ સેન્ટરોને એનક્યુએએસ પ્રમાણપત્ર મળે તે માટે ગુણવત્તાલક્ષી તબીબી સેવા ગ્રામ્ય વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર કટિબધ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande