
ભાવનગર, 24 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત સતર્ક રહેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને ફર્લો રજા દરમિયાન ફરાર થયેલો કેદી પોલીસના હાથે ઝડપાયો છે.
માહિતી મુજબ, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના સભ્યો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ પેટ્રોલિંગમાં હતાં. તે દરમ્યાન ગુપ્ત બાતમી મળેલ કે, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામનો રહેવાસી અને હાલ ભદ્રાવળ ગામે હાજર રહેલો મુળજીભાઈ ઉર્ફે મુળેશભાઈ બચુભાઈ મકવાણા, જે હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, તે ફર્લો રજા પરથી ફરાર થયો છે.
બાતમીને આધારે પોલીસ ટીમે તરત જ કાર્યરત થઈ ભદ્રાવળ ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. સુચના મુજબની જગ્યાએ સઘન ચકાસણી કરતાં આરોપી હાજર મળી આવ્યો હતો. પોલીસે કોઈ વિલંબ કર્યા વગર તેને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા આરોપી મુળજીભાઈ ઉર્ફે મુળેશભાઈ મકવાણા (ઉંમર અંદાજે ૨૫ વર્ષ), મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે ભદ્રાવળ ગામ, તાલુકા તળાજા, જિલ્લો ભાવનગરમાં રહેતો હતો, જ્યારે મૂળ તે પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામનો રહેવાસી છે.
પકડાયેલ આરોપીને વધુ કાર્યવાહી માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. તેમજ તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પરત મોકલવા માટે જરૂરી તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતા અને ઝડપી કાર્યવાહીની સાબિતી આપે છે. પોલીસની આ કામગીરીને કારણે ફરાર આરોપીઓને પકડવામાં મોટી મદદ મળી રહી છે, તેમજ જિલ્લામાં કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT