
પાટણ, 25 માર્ચ (હિ.સ.)પાટણ અને સિદ્ધપુર શહેરમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રીરામ સેવા સમિતિ દ્વારા આયોજિત 39મી શોભાયાત્રા બપોરે 3 વાગ્યે છીંડિયા રામજી મંદિરથી પ્રસ્થાન કરશે અને તેનો પ્રારંભ ભગવાન રામની મહાઆરતીથી થશે.
આ વર્ષે યાત્રામાં અનેક નવા આકર્ષણો ઉમેરાયા છે. પાટણમાં પ્રથમવાર બાહુબલી હનુમાનજીના દર્શન, અયોધ્યાના રામલલ્લાની પ્રતિકૃતિ, ચાંદીની ચરણપાદુકા તેમજ ભગવાન રામે ધારણ કરેલા વસ્ત્રો દર્શનાર્થે મુકવામાં આવશે. સાથે રાજ કમલ બેન્ડ દ્વારા રામભજનો અને પંજાબી બેન્ડની વિશેષ પ્રસ્તુતિ પણ રહેશે.
શોભાયાત્રામાં દુર્ગાવાહિનીની 500 દીકરીઓ તલવારબાજી અને બજરંગદળના યુવકો સાહસિક કરતબો રજૂ કરશે, તેમજ કુલ 15 ઝાંખીઓ સામેલ રહેશે. માર્ગમાં પ્રસાદ વિતરણ થશે અને રાત્રે 9 વાગ્યે રામજી મંદિર પરિસરમાં રામખીચડીના પ્રસાદ સાથે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ