


પાટણ, 25 માર્ચ (હિ.સ.) પાટણ જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ અને નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી તથા સ્વાસ્થ્ય, મહેસાણા દ્વારા સિદ્ધપુર સ્થિત IOCL માર્કેટિંગ ટર્મિનલ ખાતે ઓફ-સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. આ કવાયતનો મુખ્ય હેતુ મોટી દુર્ઘટના સમયે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને તાત્કાલિક કામગીરીની તૈયારીની ચકાસણી કરવાનો હતો.
મોકડ્રીલ દરમિયાન TT લોડિંગ શેડમાં ફ્યુઅલ લોડિંગ દરમિયાન લોડિંગ આર્મ તૂટી જવાથી લીકેજ અને આગ લાગ્યાનો સીનારિયો ઉભો કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતા જ ઓપરેટરોએ ઇમર્જન્સી એલાર્મ વગાડી પ્રાથમિક કામગીરી શરૂ કરી અને પરિસ્થિતિ ગંભીર જણાતા ‘ઓન-સાઇટ’ બાદ ‘ઓફ-સાઇટ’ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી.
માહિતી મળતા જ ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ અને અન્ય સરકારી વિભાગો સમયસર સ્થળ પર પહોંચી સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબૂ મેળવી લીકેજ બંધ કરવામાં આવ્યું. આ દરમિયાન બે કામદારોને સામાન્ય ઈજા થયાનો અભ્યાસરૂપ સીનારિયો રાખી તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી.
અંતે વિસ્તાર સુરક્ષિત જાહેર કરીને ‘ઓલ ક્લિયર’ સિગ્નલ આપવામાં આવ્યું. કવાયતમાં પ્રાંત અધિકારી, મામલતદાર સહિત વિવિધ અધિકારીઓ જોડાયા હતા અને અંતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વાય.વી. પટેલ દ્વારા માર્ગદર્શન સાથે ડીબ્રીફિંગ સેશન યોજાયું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ