
પાટણ, 25 માર્ચ (હિ.સ.) : શિહોરીના ડુંગરાસન નજીક શૌર્ય પેટ્રોલ પંપ પર સાંજે લગભગ 7 વાગ્યે એક ઘટના બની હતી. પંપના માલિક શૈલેષજી તેજાજી અટુંબીયાએ એર મશીન પાસે પડેલી બાઈકને રસ્તો કરવા માટે સાઈડમાં ખસેડી હતી, જેને લઈને બાઈકના માલિકે ઉશ્કેરાઈ ગાળાગાળી કરી અને ધમકી આપી હતી. થોડીવાર બાદ બે રિક્ષા અને એક ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ પંપ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ટોમી અને પાઈપ જેવા હથિયારો વડે શૈલેષજી પર પ્રહાર કર્યા, જેના કારણે તેઓ જમીન પર પડી ગયા. આ હુમલામાં દિનેશજી અને તેના સાથીદારો સામેલ હોવાનો આક્ષેપ છે.
હુમલાખોરોએ ઓફિસમાં તોડફોડનો પ્રયાસ કર્યો અને જતાં પહેલાં પંપ માલિક પાસેથી ₹5,000 લૂંટી લીધા હોવાનો આરોપ છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે, પરંતુ પીડિત મુજબ હજુ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી. હાલ શૈલેષજી અટુંબીયા પાટણ ખાતે સારવાર હેઠળ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ