
અમરેલી, 25 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ભાજપ માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ ઘટનામાં બે કાર્યકર્તાઓએ રાજીનામું આપતાં ચર્ચાનો વિષય બન્યો છે. જસવંતગઢ ગામના સરપંચ અને છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા અશોક માંગરોળીયાએ પાર્ટીમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપ્યું છે. તેમની સાથે યુવા ભાજપ કાર્યકર નિલેશ સાવલિયાએ પણ પક્ષ છોડ્યો છે.
અશોક માંગરોળીયાએ શિસ્તબદ્ધ રીતે ભાજપની ટોપી અને ખેસ પહેરીને જિલ્લા ભાજપ મહામંત્રીને અર્પણ કરી રાજીનામું સોંપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “કાર્યકર તરીકે મને અન્યાય થતો હોવાની લાગણી થતાં આ નિર્ણય લીધો છે.” તેમણે વધુમાં જણાવ્યું કે જસવંતગઢના લેટર કાંડમાં પોતાને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાં પોલીસે સી-સમરી ભરી હોવા છતાં યોગ્ય ન્યાય મળતો નથી.
બીજી તરફ જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું છે કે અશોક માંગરોળીયાને 29 ડિસેમ્બર 2024ના રોજ જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા પૂર્ણ ન થતા તેમણે રાજીનામું આપ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
જિલ્લા ભાજપે વધુમાં જણાવ્યું કે લોકશાહી પ્રણાલી અનુસાર દરેકને પોતાના નિર્ણય લેવા હક્ક છે અને જો તેઓ અન્ય કોઈ પાર્ટીમાં જોડાવા ઇચ્છતા હોય તો તેમને શુભેચ્છાઓ આપવામાં આવે છે.
આ સમગ્ર ઘટનાએ અમરેલીના રાજકીય માહોલમાં ચચા જગાવી છે અને આવનારી ચૂંટણી પહેલાં પક્ષીય સમીકરણોમાં ફેરફાર થવાની સંભાવનાઓ વધારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai