
ભાવનગર, 25 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ નુકસાનને ધ્યાનમાં રાખીને ઉમરાળા, વલભીપુર અને શિહોર તાલુકા કોંગ્રેસ દ્વારા સહાયની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
શિહોર ખાતે નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરીમાં પ્રાંત અધિકારીને આ સંયુક્ત આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ત્રણેય તાલુકામાં અચાનક આવેલા કમોસમી વરસાદ અને તેજ પવનના કારણે પાકોને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થતા ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે.
આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી નુકસાનગ્રસ્ત વિસ્તારોનો સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. સાથે સાથે, નુકસાન પામેલા નાગરિકોને પણ જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.
કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે ખેડૂતોની હાલત ખૂબ જ નાજુક બની છે અને સમયસર સહાય ન મળે તો તેઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી સરકાર અને તંત્રએ ત્વરિત કાર્યવાહી કરીને ખેડૂતોને રાહત આપવી જરૂરી છે.
આ રજૂઆત બાદ તંત્ર દ્વારા સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ખેડૂતોને વહેલી તકે સહાય મળે તે માટે સ્થાનિક સ્તરે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT