શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક પસાર થતાં યુનિવર્સિટી કર્મચારીઓને હવે ઘરઆંગણે ઝડપી ન્યાય મળશે: શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
- તમામ રાજ્ય યુનિવર્સિટીઓ ટ્રિબ્યુનલના પરીઘમાં સમાવવાથી વિવાદોનું ઝડપી નિરાકરણ લાવી શકાશે - શૈક્ષણિક ક્ષેત્રે ન્યાયપ્રણાલી વધુ સુદૃઢ બનશે, ટ્રિબ્યૂનલ સુધારા વિધેયક પસાર થતાં કોર્ટનું ભારણ ઘટશે અને પારદર્શિતા વધશે - ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્ર
ડૉ. પ્રદ્યુમન વાજા


- તમામ રાજ્ય યુનિવર્સિટીઓ ટ્રિબ્યુનલના પરીઘમાં સમાવવાથી વિવાદોનું ઝડપી નિરાકરણ લાવી શકાશે

- શૈક્ષણિક ક્ષેત્રે ન્યાયપ્રણાલી વધુ સુદૃઢ બનશે, ટ્રિબ્યૂનલ સુધારા વિધેયક પસાર થતાં કોર્ટનું ભારણ ઘટશે અને પારદર્શિતા વધશે

- ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યૂનલ (સુધારા) વિધેયક-2026 વિના વિરોધે વિધાનસભા ગૃહમાં પસાર

ગાંધીનગર, 25 માર્ચ (હિ.સ.) શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરતાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રશ્નોના ઝડપી અને બિન ખર્ચાળ નિરાકરણ માટે ગુજરાતમાં ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એકટ-2006 અમલી છે. વર્ષ-૨૦૨૩માં, રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓને લગતાં જુદા-જુદા કાયદાઓને એકીકૃત કરી ‘Gujarat Public Universities Act, 2023’ અમલમાં મૂકતાં, યુનિવર્સિટીને લગતાં અલગ-અલગ એકટ રદ કરવામાં આવ્યા હતા.

આ એક્ટ રદ થતાં તે તમામ યુનિવર્સિટી ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ, ૨૦૦૬ ના અધિકાર ક્ષેત્રમાંથી દૂર થયા હતા. જેથી તે તમામ યુનિવર્સિટીને ફરીથી ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એકટના અધિકાર ક્ષેત્રમાં લાવવા માટે અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં ન્યાય, જવાબદારી અને કાર્યક્ષમતા વધારવા ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ (સુધારા) વિધેયક-2026 ને આજે વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યું છે તેમ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ વિધેયકનીમાં બીજી જોગવાઈઓ અંગે કહ્યું હતું કે કોઇ અન્ય યુનિવર્સિટીઓને ઉમેરવાની જરૂરિયાત હોય તો તે નોટિફિકેશન મારફત સરકાર તેમની સત્તાની રૂએ ઉમેરી શકે છે તે મુજબ જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ કોઇ યુનિવર્સિટીને રદ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય, તો તે સત્તા સરકાર પાસે ન હોઇ તે બાબતે પણ જોગવાઈ કરવામાં આવી છે.

હવે રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામાથી, અનુસૂચિ-૧માં નિર્દિષ્ટ કરેલા રાજ્ય વિધાનમંડળના કોઇ અધિનિયમને બાકાત કરી શકશે. આ વિધેયકમાં યુનિવર્સિટીઓની સ્વાયત્તતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.

યુનિવર્સિટીઓને ટ્રિબ્યુનલના અધિકારક્ષેત્રમાં લાવવાથી સેવા સંબંધિત અને સંસ્થાકીય વિવાદોનું નિરાકરણ એક વિશેષ સંસ્થા દ્વારા ઝડપી અને અસરકારક રીતે થઈ શકશે.

આ યુનિવર્સિટીઓને ટ્રિબ્યુનલના અધિકારક્ષેત્ર હેઠળ લાવવાથી નિર્ણયોમાં એકરૂપતા આવશે અને સામાન્ય અદાલતો પરનો ભાર પણ ઓછો થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે ટ્રિબ્યુનલમાં જવાથી એક ફાયદો એ પણ છે કે પક્ષકારો દ્વારા વકીલ રોકીને અથવા જાતે હાજર રહી રજૂઆત કરી શકાય છે. પ્રાથમિક થી શરૂ કરી યુનિવર્સિટી સુધીની સંસ્થાઓમાં કામગીરી કરતા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ માટે ઉચિત અને સમયસર ન્યાય મેળવવાનું ટ્રિબ્યુનલ એક ઉચિત માધ્યમ છે.

વર્ષ 2014 થી અત્યાર સુધીમાં શૈક્ષણિક ટ્રિબ્યુનલ દ્વારા કુલ ૩,૬૫૦ જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે અને જે અરજદારને લાભ મળવાપાત્ર હોય તેવા કિસ્સાઓમાં તેઓને લાભો ચૂકવી આપવાના હુકમો કરવામાં આવ્યા છે તેમજ જે કિસ્સામાં લાભ મળવાપાત્ર ન હોય તેવા કિસ્સામાં તેઓની અરજી રદ પણ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande