
મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) : વિસનગરના સરદાર પટેલ વિદ્યાસંકુલ ખાતે એસ.એસ.સી. 2026 અંગ્રેજી વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રનો સમાપન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં લેઉવા પાટીદાર વિદ્યોત્તેજક મંડળના પ્રમુખ ભરતભાઈ આર પટેલ, મંત્રી અલ્પેશભાઈ પટેલ સહિત વિવિધ શૈક્ષણિક આગેવાનો અને આચાર્યોની ઉપસ્થિતિ રહી હતી.
સમારોહ દરમિયાન નિવૃત્ત થનાર 12 તથા વિશિષ્ટ કામગીરી કરનાર 3 કર્મયોગીઓનું 214 મૂલ્યાંકનકાર શિક્ષકો તરફથી પુષ્પગુચ્છ, શાલ, મોમેન્ટો અને “ભગવત ગીતા” આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ મંડળના આગેવાનો અને કેન્દ્ર સાથે જોડાયેલા સ્ટાફનું પણ સન્માન કરવામાં આવ્યું. નોડલ અધિકારી બી.એ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ કેન્દ્રમાં યોજાયેલ મૂલ્યાંકન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. શિક્ષકો દ્વારા નિષ્પક્ષતા અને જવાબદારીપૂર્વક વિદ્યાર્થીઓના પેપરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રના સ્ટાફ અને આયોજન ટીમે સુચારુ વ્યવસ્થા ગોઠવી સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવી હતી. કાર્યક્રમના અંતે સૌએ સ્વરૂચિ ભોજન લઈ સમારોહ પૂર્ણ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR