
સુરત, 25 માર્ચ (હિ.સ.) : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કેનાલ રોડ પર આવેલી સ્વર્ણ લગોમ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ‘B’ બિલ્ડિંગના 14મા માળે આવેલા એક ફ્લેટના રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠતા બિલ્ડિંગમાં રહેનાર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઊંચાઈને કારણે ધુમાડો દૂર સુધી દેખાતો હતો, જેના કારણે રહીશો તાત્કાલિક બિલ્ડિંગમાંથી બહાર નીકળવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગ તુરંત સક્રિય બન્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જહાંગીરપુરા અને અડાજણ ફાયર સ્ટેશનમાંથી હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે ટીમોને મોકલવામાં આવી હતી, જ્યારે મોરાભાગળ ફાયર સ્ટેશનથી પણ ફાયર એન્જિનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઈટર્સે ઝડપથી કામગીરી હાથ ધરી આગને નિયંત્રણમાં લીધી હતી.
પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે વાયરો બળેલી હાલતમાં મળી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે