
સુરત, 25 માર્ચ (હિ.સ.) : સુરતના સહારા દરવાજા નજીક આવેલી સરદાર માર્કેટ અને આસપાસના ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં પોલીસએ નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આશરે 5.95 કિલો ગાંજો, જેની કિંમત લગભગ રૂ. 2.97 લાખ થાય છે, સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ખાસ વાત એ છે કે પકડાયેલા ચાર પૈકી બે લોકો માર્કેટમાં જ મજૂરી કામ કરતા હતા અને ત્યાં જ રહેતા પણ હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ લોકો માર્કેટમાં કામ કરતા મજૂરોને ટાર્ગેટ બનાવીને ગાંજો નાના પેકેટમાં વેચતા હતા. પૂણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી. એમ. દેસાઈ અને તેમની ટીમે ગુપ્ત માહિતીના આધારે મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ નજીક નજર રાખી કાર્યવાહી હાથ ધરી હતી. અહીંથી એક આરોપી ગાંજો વેચતો હોવાનો પુરાવો મળતા આખું રેકેટ બહાર આવ્યું.
આ કેસમાં મુખ્ય સપ્લાયર તરીકે ઓળખાતા એક કુખ્યાત ડીલર ઓડિશાથી ગાંજો લાવીને અહીં સપ્લાય કરતો હતો. તે બાઈક દ્વારા ગાંજો પહોંચાડવા આવતો હતો ત્યારે પોલીસે તેને પણ ઝડપી લીધો. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે