
- વર્ષ ૨૦૨૬-૨૭માં કૃષિ વિભાગના ૧૪૮ ઘટકો હેઠળસહાય મેળવવા ખુલ્લુ મુકાશે
ગાંધીનગર, 25 માર્ચ (હિ.સ.) : ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતીને આધુનિક બનાવવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે.
આ દિશામાં કરાયેલા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂત અને પશુપાલક મિત્રો વિવિધ કૃષિ અને પશુપાલનલક્ષી સહાય યોજનાઓનો લાભ લઈ શકે તે માટે આગામી તા. ૨૭ માર્ચથી એક મહિના સુધી એટલે કે, તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ સુધી 'આઈ-ખેડૂત' પોર્ટલ ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.
મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૭ માર્ચથી રાજ્યના ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ખાતાના ૪૨ ઘટકો, બાગાયત ખાતાના ૯૪ ઘટકો અને પશુપાલન ખાતાના ૧૨ ઘટકોને મળી કુલ ૧૪૮ ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે.
જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, રાજ્ય સરકારનો કૃષિ વિભાગ નવા વર્ષની શરૂઆતથી જ ખેડૂતોને યોજનાકીય લાભો આપવા કટિબદ્ધ છે. રાજ્ય સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં પારિત થયાના ગણતરીના દિવસોમાં જ નવા વર્ષ માટે પોર્ટલ ખુલ્લું મૂકવા વાળો કૃષિ વિભાગ સંભવતઃ રાજ્યનો પ્રથમ વિભાગ બનશે.
મંત્રીએ કહ્યું હતું કે, અરજી પ્રક્રિયા પૂર્ણ થયાની કે છેલ્લી તારીખની રાહ જોયા વિના, જેમ જેમ અરજીઓ આવશે અને તેની ચકાસણી પૂર્ણ થશે, તેમ પાત્રતા ધરાવનાર ખેડૂતોને તુરંત સબસીડી અને સહાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી ખેડૂતોને ઝડપથી યોજનાકીય લાભો મળી શકે.
ખેડૂતો માટે અરજી પ્રક્રિયા અત્યંત સરળ બનાવાઈ છે, જેમાં ખેડૂતો આધાર ઓથેન્ટિકેશન દ્વારા પોતે અથવા ગ્રામ પંચાયત સ્તરેથી નોંધણી કરાવી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીએ રાજ્યના તમામ ખેડૂત મિત્રોને છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા નમ્ર અનુરોધ કર્યો હતો.
મંત્રીએ વિવિધ સહાયલક્ષી ઘટકોની વિગતો આપતા જણાવ્યું કે, આધુનિક ખેતીને પ્રોત્સાહન આપતા ટ્રેકટર, કમ્બાઈન હાર્વેસ્ટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, પાવર ટીલર, ઓઈલ એન્જીન અને સ્માર્ટફોન ખરીદી પર સહાય માટે ખેડૂતો અરજી કરી શકે છે. ખેત પેદાશોના રક્ષણ માટે કાંટાળા તારની વાડ અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર, સોલાર પાવર યુનિટ, પમ્પ સેટ્સ માટે સહાય મેળવવા પણ અરજી કરી શકાશે.
આ ઉપરાંત બાગાયત ખાતાની ૨૦ PTO હોર્સપાવર સુધીના મીની ટ્રેક્ટર, નેટ હાઉસ, પોલીહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, ફળ, ફૂલ અને શાકભાજીના વાવેતર તેમજ વિશેષ કરીને કમલમ (ડ્રેગન ફ્રૂટ) અને ઓઇલપામના વાવેતર માટે પ્રોત્સાહન આપતી યોજનાઓ હેઠળ સહાય મેળવવા ખેડૂતો અરજી કરી શકશે.
વધુમાં, પશુપાલન ખાતાની કેટલ શેડ બાંધકામ, દૂધાળા પશુના ડેરી ફાર્મ, મરઘાંપાલન તાલીમ સ્ટાઈપેન્ડ, પાડી-વાછરડી ઉછેર અને બકરાં એકમ જેવા ઘટકો હેઠળ સહાય મેળવવા માટે પશુપાલકો અરજી કરી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ