

મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાગરિકોની વિવિધ સમસ્યાઓ અંગે રૂબરૂ સાંભળણી કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન કુલ 70 ફરિયાદો રજૂ થઈ હતી, જેને કલેક્ટરે ગંભીરતાપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક અને અસરકારક ઉકેલ લાવવા સૂચનાઓ આપી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓનો સ્થળ પર જ ઝડપી નિકાલ લાવવાનો હતો. લોકો દ્વારા જમીન, પાણી, વિજળી, પેન્શન, આરોગ્ય અને અન્ય સરકારી સેવાઓ સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ દરેક અરજીની વિગતવાર સમીક્ષા કરીને અધિકારીઓને જવાબદારીપૂર્વક કામગીરી કરવા દિશા-નિર્દેશ આપ્યા હતા.
કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે નાગરિકોને સમયસર ન્યાય અને સહાય મળે તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે અને આવા કાર્યક્રમો દ્વારા લોકો અને તંત્ર વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થાય છે.
કાર્યક્રમમાં જિલ્લા સ્તરના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સ્થળ પર જ કેટલીક ફરિયાદોનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR