




- 50 થી વધુ પાકોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અને કેમિકલ રહિત ખેતીનું મોડેલ : માત્ર શાકભાજીમાંથી જ મહિને 30 હજારની આવક મેળવતા માંગરોળ ગામના ખેડૂત પાર્થ ગુપ્તા
રાજપીપલા,25 માર્ચ (હિ.સ.) વર્તમાન ટેક્નોલોજીના યુગમાં મોટાભાગના યુવાનો માટે “કોર્પોરેટ જોબ” સફળતાનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ રેસમાંથી બહાર આવીને જીવનને નવી દિશા આપે છે. નર્મદા જિલ્લાના માંગરોળ ગામના પાર્થ ગુપ્તાએ પણ આવો જ માર્ગ પસંદ કર્યો છે. આજે તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા સ્થિર આવક સાથે સ્વસ્થ અને સંતુલિત જીવન જીવતા સફળ ખેડૂત તરીકે ઓળખાય રહ્યા છે.
મેકેનિકલનું ઈજનેરી કૌશલ્ય અને MBA સુધીનો અભ્યાસ કરનાર પાર્થ ગુપ્તાએ છ વર્ષ સુધી કોર્પોરેટ જગતમાં ખૂબ સારી જગ્યાએ કામ કર્યું. પરંતુ મનમાં હંમેશા કુદરત તરફનું આકર્ષણ રહેતું. તેમણે પુસ્તકો, ઈન્ટરનેટ અને નાના-નાના પ્રયોગોથી પર્માકલ્ચર, એગ્રોફોરેસ્ટ્રી અને નેચરલ ફાર્મિંગનું જ્ઞાન મેળવ્યું. અંતે, “આ જ મારું કાર્ય છે” તેવું માનીને કોર્પોરેટ જગતને છોડીને ખેતરમાં ઉતર્યા.
તેમના માટે ખેતર એ માત્ર ખેતી જ નથી, પરંતુ તે એક જીવંત ઈકોસિસ્ટમ છે.
એક જ જગ્યાએ 50 થી વધુ પાકો ઉગાડવાનું મોડલ, જે દુનિયાભરમાં સસ્ટેનેબલ ફાર્મિંગ તરીકે ઓળખાય છે, તેને પાર્થ ગુર્તાએ સફળતાપૂર્વક અમલમાં મૂક્યું છે. જેમાં સરગવો, પપૈયા, કેળા, ખજૂરી જેવા ફળવાળા ઝાડ, વચ્ચે આંબા, જમરૂખ, બોર્ડર પર નારિયળ અને મલબેરી અને પાણીના રસ્તાઓમાં શાકભાજી ઉગાડે છે. આ મોડલથી એક પાક નિષ્ફળ જાય તો બીજાં પાકોથી આવક ચાલુ રહે છે. આ જ “રિસ્ક મેનેજમેન્ટ”નો કુદરતી રસ્તો છે.
આવી રીતે પાર્થ ગુપ્તાએ માત્ર 10 એકર જમીનમાં વૈશ્વિક સ્તરનું ખેતી મોડલ ઊભું કર્યું.
પાર્થ ગુપ્તા તેમની ખેતીમાં કોઈપણ કેમિકલ કે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા નથી. તેઓ મલ્ચિંગ અને કુદરતી પદ્ધતિઓથી જ જમીનને જીવંત રાખે છે. પરિણામ સ્વરૂપે જમીનની ઉર્વરતા વધે છે. પાણીનો ઉપયોગ 30-40% ઓછો થાય છે અને ઉત્પાદન સ્વસ્થ અને પોષણયુક્ત બને છે. આજના સમયમાં, જ્યારે લોકો ઓર્ગેનિક અને કેમિકલ-ફ્રી ખોરાક માટે વધુ પૈસા ખર્ચવા તૈયાર છે, ત્યારે આવી ખેતી સીધી જ “હેલ્થ ઈન્વેસ્ટમેન્ટ” બની જાય છે.
કેમિકલ વગરની ખેતી તેમના પરિવાર અને આસપાસના નાગરિકો તથા તેમના નિયમિત કસ્ટમર્સ માટે સ્વસ્થ જીવનનો આધાર બની છે.
પાર્થ ગુપ્તા દર મહિને માત્ર શાકભાજીમાંથી જ આશરે ₹30,000 સુધીની આવક મેળવી રહ્યા છે. આ ઉપરાંત ફળ, વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ અને અન્ય પાકોમાંથી વધારાની કમાણી થાય છે. તેમનું વેચાણ મોડલ પણ અનોખું છે. જેમાં તેમણે 100થી વધુ ગ્રાહકોનું વ્હોસ્ટએપ ગ્રુપ બનાવ્યું છે.
કોઈપણ ગ્રાહકને શાકભાજી અથવા અન્ય પ્રોડક્ટની જરૂરિયાત હોય તો એક દિવસ પહેલા ઓર્ડર કરવાનો હોય છે. જેનાથી તાજું ઉત્પાદન સીધું જ ગ્રાહક સુધી પહોંચાડી શકાય છે. આ વેચાણ મોડેલથી કોઈપણ મધ્યસ્થી વિના 100 ટકા નફો સીધો જ ખેડૂતને મળે છે અને ગ્રાહકને તાજો, શુદ્ધ ખોરાક મળે છે. જેથી તેને સ્થિર આવકનું સરળ મોડલ પણ કહી શકાય.
ખેડૂત તરીકે તેઓ માત્ર પાક ઉગાડતા નથી, પણ તેને પ્રોસેસ કરીને વધુ મૂલ્ય ઉમેરે છે. તેમણે સરકારી સહાય પણ મેળવી છે. ATMA પ્રોજેક્ટ પાસેથી “મોડલ ફાર્મ” તરીકે નોંધણી અને નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન મેળવ્યું છે. હોર્ટિકલ્ચર વિભાગની સ્કીમમાંથી ખજૂરી, નારિયેળ અને ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સબસિડી પણ મળી છે.
તેમને હોર્ટિકલ્ચર વિભાગ દ્વારા સ્ટીમ ડિસ્ટિલેશન મશીન આપવામાં આવ્યું છે. જેમાં પછી તેઓ લીલી ચા (લેમન ગ્રાસ), નીલગિરી, હળદરના પાન વગેરેમાંથી આવશ્યક તેલ કાઢે છે.આ તેલ કોસ્મેટિક્સ, ફાર્મા અને એર ફ્રેશનર માટે વપરા છે. આ એક વૈશ્વિક ટ્રેન્ડ છે, જ્યાં ખેતી માત્ર ખોરાક નહીં પરંતુ “નેચરલ પ્રોડક્ટ ઈન્ડસ્ટ્રી” સાથે પણ જોડાય છે.
યુરોપ, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં “ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ” હવે મુખ્ય ધારા બની રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતમાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપી રહ્યાં છે. ગુજરાતમાં તો મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રજી પ્રાકૃતિક કૃષિ પર વિશેષ ભાર મૂકી રાજ્યભરના ખેડૂતોને અભિયાનમાં જોડી રહ્યા છે. ત્યારે માંરરોળના પાર્થ ગુપ્તાનું કૃષિ મોડલ ઓછા ખર્ચે, વધુ વૈવિધ્ય સાથે અને કુદરત સાથે સંતુલન જાળવીને તેઓ આજ દિશામાં આગળ વધી રહ્યા છે.
પાર્થ ગુપ્તા માનવ કેન્દ્રિત ખેતી પર વધુ ભાર આપે છે અને શ્રમિકને પણ પરિવારના સભ્યો તરીકે જ રાખે છે. તેઓ કહે છે કે, ખેતરમાં કામ કરતો શ્રમિક માત્ર કામદારો નથી હોતો પણ તે સહભાગી હોય છે. સૂર્યોદયથી બપોર સુધીનું કામ અને માન સાથેનું વર્તન કરવાથી શ્રમિતો લાંબા સમય સુધી આપણી સાથે જોડાયેલા રહે છે. સાથે સાથે પ્રાકૃતિક ખેતી એ માત્ર આવકનો સ્ત્રોત નથી, પરંતુ માનસિક શાંતિ અને સ્વસ્થ જીવનનો માર્ગ છે” તેમ તેઓએ ઉમેર્યું હતું.
આ વાત માત્ર એક ખેડૂતની સફળતા નથી, પરંતુ એક વિચાર છે. કુદરત સાથે જીવવું, સ્વસ્થ ખોરાક તરફ વળવું તથા સ્થિર અને સંતુલિત આવક મેળવવાની પણ છે. નર્મદા જિલ્લામાં શરૂ થયેલી આ પહેલ આજે યુવાનો માટે એક સંદેશો છે.’
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ