
અમરેલી, 25 માર્ચ (હિ.સ.) : ધારી તાલુકાના દેવળા ગામે બસ સ્ટેન્ડ નજીક અચાનક ઝેરી મધમાખીઓના હુમલાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, બસ સ્ટેન્ડ પાસે બેઠેલા લોકોને અચાનક મધમાખીઓના ટોળાએ ઘેરી લીધા અને હુમલો કર્યો. આ ઘટનામાં કુલ 6 વ્યક્તિઓને મધમાખીઓએ ડંખ મારતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મધમાખીઓ અચાનક ઉશ્કેરાઈ જતા આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો હતો. ઘટના બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને તરત જ સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને ધારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.
આ બનાવને કારણે દેવળા ગામમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે અને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસી મધુભાઈ દાફડાએ જણાવ્યું હતું કે આવી ઘટના અચાનક બનતા લોકો ગભરાઈ ગયા હતા. હાલમાં ગામમાં સાવચેતી રાખવા અને મધમાખીના છત્તા દૂર કરવા માટે તંત્રને જાણ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai