
વલસાડ, 25 માર્ચ (હિ.સ.) : વલસાડ શહેરમાં આવનારી રામ નવમીની ઉજવણીને લઈને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. 'રામ જન્મોત્સવ આયોજન સમિતિ' એ આ વર્ષની ઉજવણી અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતુંં કે ખાસ કરીને આ વર્ષે અયોધ્યાના રામ મંદિર જેવી પ્રેરણાથી તૈયાર કરાયેલ રામલલાની નવી મૂર્તિ શોભાયાત્રાનું કેન્દ્રબિંદુ બનશે.
સમિતિના સભ્યોના જણાવ્યા મુજબ, આ નવી મૂર્તિનું અનાવરણ રામ નવમીના દિવસે બપોરે 12 વાગ્યે કરવામાં આવશે. શોભાયાત્રા રેલવે ગોદીથી શરૂ થઈ નવરંગ લસ્સી સર્કલ, બેચર રોડ, છીપવાડ, તરિયાવાડ, એમ.જી. રોડ અને ટાવર માર્ગો પરથી પસાર થઈ દાદિયા ફળિયા ખાતે પૂર્ણ થશે. યાત્રા દરમિયાન રામ-લક્ષ્મણ-સીતા તેમજ કૃષ્ણ ભગવાનની જીવંત ઝાંખીઓ ભક્તોને આકર્ષશે.
આ ઉપરાંત સમગ્ર યાત્રા દરમિયાન સુંદરકાંડના પાઠનો કાર્યક્રમ રહેશે અને અંતે ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગોને વિશેષ રીતે શણગારવામાં આવી રહ્યા છે, અને શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે