
નવસારી, 25 માર્ચ (હિ.સ.) : નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક અત્યંત દુખદ અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક સાવકા પિતાએ પોતાની સાથે રહેતી બે સગીર દીકરીઓ પર લાંબા સમયથી અત્યાચાર કર્યા હોવાના આક્ષેપો છે. પરિવાર સાથે રહેતા આ વ્યક્તિએ સંરક્ષક હોવા છતાં રક્ષકના સ્થાને ભક્ષક બની બંને બાળાઓને શારીરિક શોષણનો ભોગ બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ કેસનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે નાની દીકરીને અચાનક તીવ્ર પેટદુખાવો થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તબીબી તપાસ દરમિયાન તે ગર્ભવતી હોવાનું જણાયું અને આગળની તપાસમાં પાંચ મહિનાનો ગર્ભ હોવાનું નિષ્ણાતોએ ખાતરી આપી. આ ઘટના જાણીને માતા સ્તબ્ધ બની ગઈ અને દીકરીને પૂછપરછ કરતા હકીકત સામે આવી.
દીકરીએ જણાવ્યું કે તેનો સાવકો પિતા વારંવાર તેને અને તેની બહેનને ધમકાવીને દુષ્કર્મ કરતો હતો. આ વાત બાદ મોટી દીકરીની તપાસ કરવામાં આવી, જેમાં તે પણ ગર્ભવતી હોવાનું બહાર આવ્યું. આરોપી રાત્રિના સમયે અને એકાંતમાં બંને સગીરાઓનો શારીરિક શોષણ કરતો હતો અને તેમને ડરાવીને ચૂપ રાખતો હતો.
માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે આરોપી સામે POCSO કાયદા અને અન્ય લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે, જ્યારે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર મચાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે