
- ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક-2026 વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર
ગાંધીનગર, 25 માર્ચ (હિ.સ.) : રાજ્યમાં ચિકિત્સા સંસ્થાઓના રજિસ્ટ્રેશન અને નિયમન પ્રક્રિયાને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા 'ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક-૨૦૨૬' વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યું હતું.
આ કાયદાનો મુખ્ય હેતુ અને પૂર્વભૂમિકા વિશે વાત કરતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું કે રાજ્યમાં યોગ્ય તબીબી લાયકાત ધરાવતા ડોક્ટરોને કાયદાકીય પીઠબળ પૂરું પાડવા અને લાયકાત વગરના લેભાગુ તત્ત્વો દ્વારા થતાં નિદાન અને પ્રેક્ટિસ પર નિયંત્રણ લાવવા માટે વર્ષ 2021 માં આ કાયદો ઘડવામાં આવ્યો હતો, જેનો અમલ 13 સપ્ટેમ્બર 2022 થી કરવામાં આવ્યો છે.
આ કાયદા હેઠળ નાના ક્લિનિકથી લઈ મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલો અને લેબોરેટરીઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જે મુજબ, 20 માર્ચ,2026 સુધીમાં રાજ્યમાં લગભગ 41 હજાર જેટલાં કામચલાઉ અને ૨ હજાર જેટલાં કાયમી રજિસ્ટ્રેશન થઈ ચૂક્યાં છે, ત્યારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં વહીવટી સરળતા માટે નીચે મુજબના સુધારા સૂચવવામાં આવ્યા છે:
• રજિસ્ટ્રેશન માટેની સમયમર્યાદામાં સુધારો (કલમ 9 ) : અગાઉ રજિસ્ટ્રેશન માટે 30 એપ્રિલ 2026 ૬ સુધીની મર્યાદા હતી. હવે નવા સુધારા મુજબ, રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામા દ્વારા જે મુદત નક્કી કરે તેટલી સમયમર્યાદામાં સંસ્થાઓએ રજિસ્ટ્રેશન માટે અરજી કરવાની રહેશે. આનાથી વારંવાર કાયદામાં સુધારો કરવાની જરૂરિયાત રહેશે નહીં.
• કામચલાઉ (પ્રોવિઝનલ) રજિસ્ટ્રેશન બાબતે સુધારો (કલમ 18 ): અગાઉની જોગવાઈ મુજબ 12 સપ્ટેમ્બર 2026 પછી કોઈ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન આપી શકાતું નહોતું. નવા સુધારા અનુસાર, રાજ્ય સરકાર જાહેરનામા દ્વારા નિર્દિષ્ટ કરે તે મુદત પછી જ કામચલાઉ રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવશે.
આ સુધારાની આવશ્યકતા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આનાથી વહીવટી સરળતાની સાથે કોઈ કાયદાકીય ગૂંચ કે પ્રશ્નો ઊભા નહીં થાય. એટલું જ નહીં, જો કોઈ ચિકિત્સા સંસ્થા દ્વારા તેનું પાલન કરવાની બાબતોમાં ચૂક કરશે, તો તેની સામે આ કાયદામાં રૂ. ૧૦ હજારથી રૂ. ૫ લાખ સુધીના દંડની તેમજ રજિસ્ટ્રેશન કેન્સલ કરવા સહિતનાં પગલાં લેવાની જોગવાઇ કરવામાં આવી છે.
વધુમાં, જે તબીબી સંસ્થાઓએ નિયત સમય-મર્યાદામાં રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેવી સંસ્થાઓ સામે દંડાત્મક કાર્યવાહીની પણ જોગવાઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકારના આ અભિગમથી આરોગ્ય સેવાઓની ગુણવત્તા જળવાઈ રહેશે અને નાગરિકો છેતરપીંડીનો ભોગ બનતા અટકશે તેવો વિશ્વાસ આરોગ્ય મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ