
મહેસાણા, 25 માર્ચ (હિ.સ.) : વિસનગર શહેરના કડા દરવાજા વિસ્તારમાં આવેલી મહાકાલી ઓટો ગેરેજમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. 16 માર્ચની રાત્રે અજાણ્યા શખ્સોએ ગેરેજનું શટર તોડી ઓઈલના ડબ્બા, રિક્ષાના પિસ્ટન સિલિન્ડર, સેલ અને જંપર સહિત કુલ 74,600 રૂપિયાની મત્તા ચોરી કરી હતી. તાલુકા પોલીસે બાતમીના આધારે રાજેન્દ્ર કોલોની પાસે વોચ ગોઠવી રિક્ષા (GJ-24-W-5648) તપાસતા તેમાં ચોરીનો સામાન મળી આવ્યો હતો. આરોપી પ્રકાશ જગદીશ રાવળે ચોરીની કબૂલાત કરતાં પોલીસે તેની ધરપકડ કરી કુલ 71,584 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બીજી તરફ રાલીસણા ગામ નજીક નજીવી બાબતે થયેલી તકરારમાં રિક્ષા ચાલકે એક્ટિવા ચાલક યુવક પર પ્લાસ્ટિકના બેટથી હુમલો કર્યો હતો. વડનગરના સબલપુર ગામના સુરેશ ઠાકોર પર હુમલો થતાં તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોના હસ્તક્ષેપથી યુવકને બચાવી હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR