
રાજપીપલા, 25 માર્ચ (હિ.સ.) નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરિક્રામા ગત 19 માર્ચથી પ્રાંરભ થઈ છે. જેમાં આજદિન સુધી એટલે કે, 25 માર્ચ બપોર સુધીમાં 1.12 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવી છે.
પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત પરિવત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
પરિક્રમાર્થીઓની સુરક્ષા અ સલામતીની ખાસ કાળજી રાખવામાં આવે છે. ખાસ કરીને હાલમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી પરિક્રમાર્થીઓને સ્વાસ્થ્ય સંદર્ભે કોઈ મુશ્કેલી ન સર્જાય તેની પુરતી કાળજી રાખવા સાથે પરિક્રમા રૂટ ઉપર 8 સ્થળોએ કેમ્પ ઊભા કરી સતત સેવા પુરી પાડવામાં આવી રહી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢકે જણાવ્યું કે, ઉત્તરવાહી નર્મદા પરિક્રામાના સમગ્ર રૂટ પર આરોગ્ય વિભાગ દ્વારા કુલ 8 લોકેશન પર 24X7 કલાક, 108 એમ્બ્યુલન્સ સહિત રૂટિન મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ તબીબી સેવાઓનો પરિક્રમાર્થીઓ લાભ લઈ રહ્યા છે. કેમ્પ ખાતે આવતા પરિક્રમાર્થીઓને તેમની જરૂરિયાત પ્રમાણેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આ છે.
આરોગ્ય વિભાગ દ્વારા ઓઆરએસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીની સિઝનને ધ્યાને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
આ ઉપરાંત તિલકવાડા-ગરૂડેશ્વર અને GMERS હોસ્પિટલ રાજપીપલા ખાતે ઈમરજન્સી મેડીકલ વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ , નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પરિક્રમાર્થીઓ માટે સતત ખડેપગે રહી સેવા આપી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ