ગેસના બાટલાની સમસ્યા સામે ભરુચમાં સગડીના ઉપયોગથી રોજીરોટી કમાઈ પરિવાર અડીખમ રહ્યો
- ગેસ સંકટમાં અવિરત પંખા સગડીથી ધંધો કરી આફતને અવસરમાં બદલતા નેત્રંગના સોમાભાઈ વસાવા - ગેસ પર આધારિત રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા અને નાનાં ખાણીપીણીના વ્યવસાયકારો મુશ્કેલીમાં મુકાયા - યુધ્ધની પરિસ્થિતિએ ગેસ સપ્લાય અટકી જતા હોટલો બંધ થતાં વાહનો પાર્ક થ
બોટલો ખૂટ્યા પણ નેત્રંગ હાટ બજારમાં સગડીથી ચા બનાવી રોજીરોટી કમાઈ પરિવાર અડીખમ રહ્યો


- ગેસ સંકટમાં અવિરત પંખા સગડીથી ધંધો કરી આફતને અવસરમાં બદલતા નેત્રંગના સોમાભાઈ વસાવા

- ગેસ પર આધારિત રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા અને નાનાં ખાણીપીણીના વ્યવસાયકારો મુશ્કેલીમાં મુકાયા

- યુધ્ધની પરિસ્થિતિએ ગેસ સપ્લાય અટકી જતા હોટલો બંધ થતાં વાહનો પાર્ક થવા લાગ્યાં

ભરૂચ 25 માર્ચ ( હિ. સ ) : નેત્રંગ નગરમાં વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિનો પ્રભાવ સ્થાનિક જીવન પર પણ જોવા મળી રહ્યો છે. ઈઝરાયલ-અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે ઘરેલુ તેમજ કોમર્શિયલ ગેસની અછત ઊભી થઈ છે. જેના પરિણામે ગેસ પર આધારિત રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા અને નાનાં ખાણીપીણીના વ્યવસાયકારો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણી જગ્યાએ તો વેપારીઓને પોતાનો ધંધો તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી રહી છે.આ પરિસ્થિતિમાં નેત્રંગના ગાંધીબજાર વિસ્તારમાં તુલસી ફળિયામાં વસવાટ કરતા સોમાભાઈ રડતીયાભાઈ વસાવા અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. વર્ષોથી તેઓ પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરીને પંખા સગડી વડે ચા અને ગરમા ગરમ નાસ્તો બનાવે છે. દર મંગળવારે ભરાતા હાટ બજારમાં તેઓ પોતાના સ્ટોલ પર ગ્રાહકોને સેવાઓ આપે છે.

નેત્રંગ શહેરમાં આજે રાંધણ ગેસની અચાનક સર્જાયેલી અછતના પગલે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી હતી. ગેસના અભાવે શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલી મોટાભાગની હોટલો અને રેસ્ટોરન્ટ્સના માલિકોએ મજબૂરીવશ પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેતા ગ્રાહકોમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી ગેસ સપ્લાયમાં આવી રહેલી અનિયમિતતાને કારણે આજે સ્થિતિ વધુ વણસી હતી. રેસ્ટોરન્ટ સંચાલકોના જણાવ્યા અનુસાર, ગેસ વિના રસોડું ચલાવવું અશક્ય છે. વારંવારની રજૂઆતો છતાં સપ્લાય યોગ્ય ન થતા આખરે વેપારીઓએ શટર ડાઉન કરી દેતા સમગ્ર નગરમાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

નેત્રંગના સોમાભાઈ વસાવાની સગડીની મદદથી ગેસની ચિંતા ઘટી

ગેસની અછત વચ્ચે પણ સોમાભાઈનો વ્યવસાય અડીખમ રહ્યો છે. પંખા સગડીના ઉપયોગથી તેઓ અન્ય વેપારીઓ કરતાં ઓછી મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમના આ પ્રયાસો માત્ર તેમના પરિવાર માટે રોજીરોટી તો પૂરાં પાડે છે, પરંતુ પરંપરાગત સાધનોની મહત્ત્વતા પણ દર્શાવે છે.સ્થાનિક લોકોમાં પણ સોમાભાઈના નાસ્તા માટે ખાસ માંગ છે. આ રીતે તેઓ મુશ્કેલ સમયમાં પણ હિંમત અને મહેનતથી જીવન નિર્વાહ કરી રહ્યા છે, જે અન્ય વેપારીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.

મુખ્ય બજારોમાં હોટલો બંધ, વાહનોનું પાર્કિંગ યથાવત

નગરના વ્યસ્ત એવા મુખ્ય માર્ગો અને બજારના વિસ્તારોમાં જ્યાં હંમેશા ભીડ જોવા મળતી હોય છે, ત્યાં આજે હોટલોના શટર બંધ જોવા મળ્યા હતા. જોકે, હોટલોની બહાર વાહનો પાર્ક થયેલા જોવા મળ્યા હતા, જે સૂચવે છે કે ગ્રાહકો દૂર-દૂરથી જમવા માટે આવ્યા હતા પરંતુ સુવિધા ન મળતા નિરાશ થઈને પરત ફર્યા હતા.

હવે જોવાનું એ રહે છે કે પ્રશાસન આ સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે લાવે છે, જેથી વેપારીઓ અને ગ્રાહકોને પડતી આ મુસીબતનો અંત આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande