
ભાવનગર, 25 માર્ચ (હિ.સ.) : ગુજરાત ગૅસ લિમિટેડની સી.એન.જી. ભરેલી આઈસર એલ.સી.વી. કાસ્કેડ જેની કેપીસીટી 3000 લિટરની છે. તેમાં 200 બાર પ્રેશરથી ગૅસ લીકેજ થતાં આગ, નાનો બ્લાસ્ટ અને એલ.સી.વી. ચાલક દાજી ગયો તેવી મોક ડ્રીલ યોજાઇ હતી. ગુજરાત ગૅસ લિમિટેડ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષ ઓફ-સાઇટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડ્રિલમાં સી.એન.જી. ભરેલી એલ.સી.વી. કાસ્કેડ મંત્રેશ સર્કલ ક્રોસ કરીને 100 મીટર આગળ ટોપથ્રી સર્કલ બાજુ હતી ત્યારે અચાનક સી.એન.જી. કાસ્કેડના હાઈ બેન્કમાંથી અવાજ સાથે બ્રસ્ટ ડિસ્ક ફાટીને 200 બાર દબાણવાળો નેચરલ ગૅસ લીકેજ થાય છે ત્યારે એલ.સી.વી.ના ડ્રાઈવર એલ.સી.વી. રોડ સાઇડ ઊભી રાખી ગૅસ લીકેજ કંટ્રોલ કરવા કાસ્કેડના બધાં વાલ્વ બંધ કરવા જાય છે ત્યાં જ લીકેજ થયેલા ગૅસ એ કોઈ અજાણ્યા સોર્સ થી આગ પકડી લીધી જેને કંટ્રોલ કરવા પોર્ટેબલ ફાયર અગ્નિશામકનો ઉપયોગ કર્યો હતો ક્ષણભર માટે આગ ઓલવાઈ ગઈ પણ ફરીથી જમા થયેલાં ગૅસને આગનો સોર્સ મળતા નાનો બ્લાસ્ટ થયો અને એલ.સી.વી. નો ડ્રાઈવર દાજી જતાં નીચે પડી ગયો હતો. તે દરમિયાન એલ.સી.વી. નો સુપરવાઇઝર ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ ગુજરાત ગૅસના અધિકારીને કરતા તેમણે કંપનીનો ઇમરજન્સી પ્લાન એક્ટિવેટ કર્યો હતો. જેથી પ્રાથમિક સારવાર ટીમ ટ્રાફિક કંટ્રોલ ટીમ અને એલ.સી.વી. મેન્ટનસ ટીમ સાઇટ પર પહોંચી ગઈ હતી. ઉચ્ચ દબાણવાળો ગૅસ પબ્લિક એરિયામાં લીકેજ થયો હોવાથી અને લગભગ 400 કિલો ગૅસ એલ.સી.વી. માં હોવાથી ગુજરાત ગૅસ એ જીલ્લા આપાતકાલીન વિભાગને મદદ માટે સંપર્ક કર્યો હતો. જેથી ફાયર બ્રિગેડ, 108, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સાઇટ પર પહોંચી આપાતકાલીન સ્થિતિનો કંટ્રોલ કર્યો હતો. આમ, આગ લાગવાની કલ્પિત પરિસ્થિતિ ઉભી કરીને રેસ્ક્યૂ, ફાયર ફાઈટિંગ અને ઇમરજન્સી મેનેજમેન્ટ સંબંધિત કામગીરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધારવી તથા આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટેની તૈયારી મજબૂત બનાવવી હતો.
આ મોકડ્રિલ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાંથી ડિમ્પલબેન, DISHના ફેક્ટરી ઇન્સ્પેક્ટરશ્રી, 108 માંથી નરેશભાઈ ડાભી, બી.એમ.સી ના ફાયર ઓફિસર જયેશભાઈ રબારી અને ભાવનગર પોલીસની ટીમના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT