
વલસાડ, 25 માર્ચ (હિ.સ.): વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા વસંત સંપાત દિવસ (Vernal Equinox) નિમિત્તે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને જાગૃતિ સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ ડી. રાઠોડ દ્વારા વસંત સંપાત દિવસના વૈજ્ઞાનિક મહત્વ અંગે માહિતીસભર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, તેમણે સમજાવ્યું કે, પૃથ્વીનો અક્ષ લગભગ 23.5° ઢોળાયેલો છે, પરંતુ વસંત સંપાતના દિવસે પૃથ્વી એવી સ્થિતિમાં હોય છે કે, કોઈપણ ગોળાર્ધ સૂર્ય તરફ ઝૂકેલું નથી. પરિણામે, સૂર્યકિરણો સીધા વિષુવવૃત પર પડતા હોવાથી પૃથ્વી પર લગભગ દરેક જગ્યાએ દિવસ અને રાત બંને લગભગ 12-12 કલાકના હોય છે. આ દિવસથી ઉત્તર ગોળાર્ધમાં વસંત ઋતુની શરૂઆત થાય છે. તેમણે વધુમાં સમજાવ્યું કે, સૂર્ય પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે, જેનું સ્પષ્ટ પ્રમાણ સૂર્યકલંકોના અવલોકન દ્વારા મળે છે. સૂર્યકલંકો દરરોજ એક જ જગ્યાએ સ્થિર રહેતા નથી, પરંતુ ધીમે ધીમે સૂર્યના એક કિનારાથી બીજા કિનારા તરફ ખસતા જોવા મળે છે. આશરે 26 દિવસમાં તેઓ પૂર્ણ પરિભ્રમણ પૂર્ણ કરે છે. નિયમિત અવલોકન દ્વારા આ ગતિ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જે દર્શાવે છે કે સૂર્ય સ્થિર નથી પરંતુ પોતાની ધરી પર ફરે છે.
કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ વિભાગ (વલસાડ-ઉત્તર)ના અધિકારીઓ, મણિલાલ ભુસારા (નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી, વલસાડ) તેમજ એસ.વી. પટેલ સાર્વજનિક સ્કૂલ, આસુરા, પ્રાથમિક શાળા, ખારવેલ અને સાર્વજનિક હાઈસ્કૂલ, કુરગામના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સોલર ફિલ્ટરથી સજ્જ ટેલિસ્કોપ દ્વારા સૂર્યની સપાટી પર દેખાતા સૂર્યકલંકો (Sunspots)નું સુરક્ષિત અવલોકન કર્યું હતું, જેના દ્વારા તેમને સૌર ઘટનાઓ અંગે પ્રાથમિક તથા પ્રયોગાત્મક જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
આ ઉપરાંત, રાત્રિ આકાશ નિરીક્ષણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ચંદ્ર, શુક્ર તથા ગુરુ ગ્રહનું નિરીક્ષણ કરીને આકાશીય પિંડોને નજીકથી જોવાનો અનોખો અનુભવ મેળવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત તમામ લોકોમાં ખગોળીય ઘટનાઓ પ્રત્યે રસ અને જિજ્ઞાસા વિકસાવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે