
સુરત, 26 માર્ચ (હિ.સ.): સુરતના વેસુ વિસ્તારમાં આવેલ એક હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં ગતરોજ ચિંતાજનક બનાવ સામે આવ્યો હતો. એક પરિવારનું બે વર્ષનું બાળક રમતા રમતા બેડરૂમમાં અંદરથી લોક થઈ ગયું, જેને કારણે ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. બાળક અંદર એકલું ફસાઈ જતા પરિવારજનોએ ભારે ગભરાટ અનુભવ્યો હતો.
માહિતી મુજબ, ઘટના વીઆઈપી રોડ પર આવેલા લક્ઝુરિયસ ‘સેવન હેવન’ એપાર્ટમેન્ટના આઠમા માળે બની હતી. બાળક બેડરૂમમાં રમતું હતું ત્યારે અચાનક દરવાજો અંદરથી બંધ થઈ ગયો. પરિવારજનોએ દરવાજો ખોલવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ સફળતા મળી નહોતી. અંદરથી બાળકના રડવાના અવાજો સંભળાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
આખરે પરિવારજનોએ તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કર્યો. જાણ મળતાં જ વેસુ ફાયર સ્ટેશનના અધિકારી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. ટીમે ઝડપથી પરિસ્થિતિ સમજીને વ્યાવસાયિક રીતે દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી અને થોડા જ સમયમાં બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું.
બાળકને બહાર કાઢતાં તે ડરના કારણે રડી રહ્યું હતું, જેને જોઈ પરિવારજનોએ તેને શાંત પાડ્યું. પોતાના બાળકને સુરક્ષિત જોઈને માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો અને ફાયર વિભાગની ઝડપી કામગીરી માટે દિલથી આભાર વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે