આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત: 10 મુસાફરો બળીને ખાખ, 20 થી વધુ ઘાયલ
હૈદરાબાદ, નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.): આંધ્રપ્રદેશના માર્કપુરમ જિલ્લામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. એક હાઇ સ્પીડ ટિપર ટ્રક એક ખાનગી બસ સાથે અથડાતા બંને વાહનોમાં ભીષણ આગ લાગી ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં દસ મુસાફરો ઘટનાસ્થળે જ બળીને ખાખ થ
આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત


હૈદરાબાદ, નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.): આંધ્રપ્રદેશના માર્કપુરમ જિલ્લામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. એક હાઇ સ્પીડ ટિપર ટ્રક એક ખાનગી બસ સાથે અથડાતા બંને વાહનોમાં ભીષણ આગ લાગી ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં દસ મુસાફરો ઘટનાસ્થળે જ બળીને ખાખ થઈ ગયા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત સવારે 6:00 થી 6:30 વાગ્યાની વચ્ચે રાયવરમ ગામ નજીક થયો હતો. હરિકૃષ્ણ ટ્રાવેલ્સની માલિકીની ખાનગી બસ તેલંગાણાના નિર્મલથી આંધ્રપ્રદેશના નેલ્લોર જઈ રહી હતી.

માર્કપુરમના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બસ વળતી વખતે અકસ્માત થયો હતો જ્યારે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી એક હાઇ સ્પીડ ટિપર ટ્રકે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને વાહનોમાં તરત જ આગ લાગી ગઈ, જેના કારણે મુસાફરો બહાર નીકળી શક્યા નહીં.

અત્યાર સુધીમાં 10 મુસાફરો જીવતા બળી ગયા હોવાની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. 20 જેટલા ઘાયલ મુસાફરોને માર્કપુરમની ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. અકસ્માત સમયે બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા. બસની આગળના 10 જેટલા મુસાફરો ભાગી જવામાં સફળ રહ્યા, પરંતુ પાછળના લોકો આગમાં ફસાઈ ગયા.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ, આ ઘટના પર ઊંડો શોક અને સંવેદના વ્યક્ત કરી. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે ઘાયલોને શ્રેષ્ઠ શક્ય તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.

સ્થાનિક ધારાસભ્ય કંદુલા નારાયણ રેડ્ડીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને રાહત કામગીરીની સમીક્ષા કરી. પોલીસ હજુ પણ મૃતકોની ઓળખ કરવા અને અકસ્માતના ચોક્કસ કારણની તપાસ કરવા માટે કામ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / દેવ કુમાર પુખરાજ / જીતેન્દ્ર તિવારી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande